ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહમાં આજે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી કૃષ્ણજન્મનું રસપાન ભાવિકોને કરાવશે. શ્રીકૃષ્ણ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા તેમજ ધર્મનીતિની સ્થાપના કરવા તેમણે આ અવતાર લીધો હતો. કૃષ્ણ અને અન્ય પાત્રો અને એમના કૃત્ય ભાષામાં કેવા વણાઈ ગયા છે એ જાણવાની કોશિશ કરીએ.
શ્રીકૃષ્ણની અનેક લીલા જાણીતી છે. ગોવાળો ઈંદ્રની પૂજા કરતા હતા, પણ કૃષ્ણએ તેમને ગાયોને પુષ્કળ ચારો પૂરો પાડતા ગોવર્ધન પર્વતની પૂજા કરવા કહ્યું. આ જાણીને રોષે ભરાયેલા ઈંદ્રએ મુશળધાર મેઘ વર્ષાવ્યો. ગભરાયેલા ગોવાળોની મદદે કૃષ્ણ આવ્યા અને ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છત્રની પેઠે રાખી સર્વેનું રક્ષણ કર્યું. આ જોઈ ઈંદ્રએ ગર્વ ત્યાગી કૃષ્ણની સ્તુતિ કરી. આ કથાના આધારે અતિ મુશ્કેલ કે અશક્ય કામ કરી બતાવવું અથવા અસાધારણ બળ કે સાહસ દર્શાવવું માટે ગોવર્ધન પર્વત ઊંચક્યો એમ કહેવાય છે. આજના અજંપાભર્યા અને અકળામણગ્રસ્ત વાતાવરણમાં કૃષ્ણના આ સ્વરૂપની તાતી જરૂર છે એવું નથી લાગતું?
વાસુદેવ એટલે શ્રીકૃષ્ણના પિતાનું અભિધાન. અભિધાન એટલે નામ અથવા ઓળખ. નંદ એટલે વિષ્ણુના હજાર માંહેનું એક નામ. નંદનો એક અર્થ સંપત્તિ પણ થાય છે. આનંદ ઉપજાવનારી સંપત્તિવાળા હોવાથી અને સર્વ પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન હોવાથી અને નવ નંદોમાં નંદરાય હોવાથી તે નંદ કહેવાય છે. શ્રીકૃષ્ણના પાલક પિતાનું નામ પણ નંદ છે. નંદ શ્રીકૃષ્ણને ઉછેરનાર ગોકુળના મુખી હતા. નંદ કૃષ્ણના પિતા વસુદેવના પરમ મિત્ર હોવાથી વસુદેવે પોતાની એક પત્ની રોહિણી અને પછી પોતાનો પુત્ર કૃષ્ણ એને ત્યાં રાખ્યાં હતાં. યશોદા એટલે યશ આપનારી. નંદની પત્નીનું નામ યશોદા છે. જૈનના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીની પત્નીનું નામ પણ યશોદા છે. ભગવાન શ્રીકૃષ્ણ યદુ વંશમાં પ્રગટયાં હોવાથી તેમનું નામ યાદવ છે. બધાં પ્રાણી તેમનામાં વસે છે તથા બધાં પ્રાણીઓમાં તેઓ વસે છે એટલે વાસુદેવ કહેવાય છે. મધુ નામના દૈત્યનો નાશ કર્યો તેથી તે મધુસૂદન કહેવાય છે. મધુ નામનો રાક્ષસ હતો અને સૂદન એટલે નાશ કરવો. કમળ જેવાં અણિયાળાં નેત્રોવાળા અને મોહક હોવાથી તે પુંડરીકાક્ષ કહેવાય છે. પુંડરિક + અક્ષ = પુંડરીકાક્ષ જેમાં પુંડરિક એટલે શ્વેત કમળ અને અક્ષિ એલે નેત્ર, આંખ. સમાસના નિયમ અનુસાર અક્ષિનું અક્ષ થાય છે.
ગોકુળ એટલે ગાયનું ટોળું. દશ હજાર ગાયનું ટોળું ગોકુળ કહેવાય છે. મથુરા નજીક આવેલું આ ગામડું શ્રીકૃષ્ણની બાળક્રીડાનું સ્થાન હોવાથી ઘણું પવિત્ર ગણાય છે. શ્રાવણ વદ આઠમે શ્રીકૃષ્ણનો જન્મ ગોકુળમાં જાહેર થયો હોવાથી એ ગોકુળાષ્ટમી તરીકે પણ ઓળખાય છે. જનક રાજાની દીકરી જાનકી (સીતા), પર્વતરાજ (હિમાલય)ની પુત્રી પાર્વતી એમ કંસના કાકા દેવક રાજાની દીકરી દેવકી. ધનુ એટલે ધનુષ્ય અને યાગ એટલે હોમ, હવન, યજ્ઞ. ધનુર્ધર એટલે તીરંદાજ, બાણાવળી. કંસ એટલે દુષ્ટ, જુલ્મી. ધનુર્યાગ એટલે કંસે કરેલો એક કપટયજ્ઞ, ધનુર્યજ્ઞ.
એક સમે હરિ ગોકુળિયામાં રમતા દીઠાં યદુરાય જો...
‘એક સમે હરિ ગોકુળિયામાં’ ભગવાન કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતી એક અત્યંત લોકપ્રિય ગુજરાતી રચના છે. આ પદમાં મોટા ભાઈ બલરામજી માતા યશોદાને ફરિયાદ કરે છે કે કૃષ્ણ માટી ખાય છે. આ સાંભળી યશોદા માતા બાળકૃષ્ણનું મુખ ખોલાવે છે ત્યારે તેમને ચૌદ બ્રહ્માંડના દર્શન થાય છે. આ રચના આજથી પચાસેક વર્ષ પહેલા બાળકોને નિયમિત સંભળાવવામાં આવતી હતી.
એક સમે હરિ ગોકુળિયામાં રમતા દીઠાં યદુરાય જો, બળભદ્ર કહે સુણો માતાજી માવો માટી ખાય જો.
મુખ ઉઘાડી માતાએ જોયું દીઠા ચૌદ ભુવન જો, બાય રે પાડોશણ બેનડી તને સાંભળતા સુખ થાય જો.
આજ સપનામાં કૌતુક દીઠ્યું માવાના મુખ માય જો, આકાશ વૈકુંઠ પાતાળ દીઠયા માવાના મુખ માય જો.
તેત્રીસ કરોડ દેવતા દીઠયા દીઠયાં નવલખ તારા જો, ચાંદો સૂરજ સાથિયા દીઠયાં માવાના મુખ માય જો.
રાજ કરતા ધ્રુવ જી દીઠયાં બ્રહ્મા વેદ ભણાવે જો જટા ધારી શિવજી દીઠયાં માવાના મુખ માય જો.
સાત સમુદ્ર સાગર દીઠયાં મેરુ પર્વત રવાય જો, રત્નાકર સાગર ઘૂમતો દીઠયો માવાના મુખ માય જો.
હંસ મુખી મે ઘોડા દીઠયાં લક્ષ્મીજી પ્રગટ થાય જો, ઐરાવત મે હાથી દીઠયાં માવાના મુખ માય જો.
શેષનાગ ઉપર સૂતા દીઠયાં સમુદ્રની મોજાર જો, સ્તુતી કરતા નાગણી દીઠી માવાના મુખ માય જો.
ગોકુળ મથુરા વનરાવન દીઠ્યા રાસલીલા ત્યાં થાય જો, સોળસે ગોપીમાં રાધાજી દીઠયાં માવાના મુખ માય જો.
ગાવડી કેરાં વાછરું દીઠયાં નવલખ ધેનુ ગાય જો, મહી વેચંતી મહિયારણ દીઠી માવાના મુખ માય જો.
નવસો નવ્વાણું નદીયું દીઠી અડસઠ તીરથ ત્યાં થાય જો, ગોમતી ઘાટે દ્વારિકા દીઠી માવાના મુખ માય જો.
ધન્ય જશોદા ભાગ્ય તમારા પુત્ર પામ્યા પરિબ્રહ્મ જો, ગાય શીખે ને સાંભળે તેનો હોજો વૈકુંઠ વાસ જો.
યદુરાય એટલે કૃષ્ણ. ચૌદ ભુવન એટલે સમગ્ર બ્રહ્માંડ, આખું વિશ્વ. ચૌદ લોકનાં નામ આ પ્રમાણે છે: ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્યલોક અથવા બ્રહ્મલોક, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. ગરુડ, સારસ, હંસ વગેરે પૃથ્વીનાં પક્ષીઓ જ્યાંસુધી ઊડી શકે ત્યાં સુધી ભૂર્લોક કહેવાય છે. ભુવર્લોક એટલે ભૂર્લોક અને સૂર્ય વચ્ચેનો સિદ્ધ અને ઋષિઓને રહેવાનો પ્રદેશ. સૂર્ય તેમજ અન્ય ગ્રહો છે એ પ્રદેશ મહર્લોક તરીકે ઓળખાય છે. પૌરાણિક સાહિત્ય અનુસાર પાંચમો લોક જનલોક કહેવાય છે. યોગીશ્વરોનો વાસ આ લોકમાં હોવાની માન્યતા છે. તપસ્વીઓનો છઠ્ઠો લોક તપલોક અને કુટિલતા, જૂઠ કે દાંભિકતા રહિતના લોકો માટે અનામત લોક સત્યલોક અથવા બ્રહ્મલોક તરીકે ઓળખાય છે. વિષ્ણુપુરાણ પ્રમાણે પાતાલ સાત છે: અતલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ, તલાતલ અને પાતાલ. પાતાળ અંતિમ લોક માનવામાં આવે છે. આકાશ સૌથી ઊંચું અને પાતાળ સૌથી નીચું સ્થાન હોવાની માન્યતા હોવાથી કોઈ કાર્ય માટે સર્વાધિક કોશિશ થાય એ માટે આકાશ પાતાળ એક કરી દીધા એમ કહેવાય છે. સમુદ્રની મોજાર એટલે સમુદ્રની અંદર. માંહે અથવા અંદર માટે કવિતામાં મોજાર શબ્દ વપરાય છે. કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતી રચનામાં પણ ભાષા વૈભવ નજરે પડે છે.