Fri Sep 04 2026

Logo

મુંબઈ મેટ્રો લાઇન-6 કારશેડ વિના સેવાઓ શરૂ કરવા વિક્રોલી ખાતે 'એલિવેટેડ પિટ-લાઇન' તૈયાર કરાશે

2026-09-02 15:58:09
Author: Mumbai Samachar Team
મુંબઈ મેટ્રો લાઇન-6 કારશેડ વિના સેવાઓ શરૂ કરવા વિક્રોલી ખાતે 'એલિવેટેડ પિટ-લાઇન' તૈયાર કરાશે

જેવીએલઆર અને પવઈના મુસાફરોનો 45 મિનિટ સુધીનો સમય બચશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈની મહત્વાકાંક્ષી મેટ્રો લાઇન-6ને સંપૂર્ણ કાર શેડ તૈયાર થયા પહેલાં જ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. સ્વામી સમર્થ નગરથી વિક્રોલી સુધીની 15.31 કિલોમીટર લાંબી આ મેટ્રો લાઇન માટે વિક્રોલીના છેડે એલિવેટેડ પિટ-લાઇન સુવિધા વિકસાવવામાં આવી રહી છે. આ સુવિધાનો ઉપયોગ મેટ્રો ટ્રેનોની નિયમિત તપાસ, સલામતી ચકાસણી અને જરૂરી જાળવણી માટે કરવામાં આવશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઈઆરડીએ)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, સંપૂર્ણ કાર શેડ તૈયાર ન થાય ત્યાં સુધી પિટ-લાઈન મારફતે મેટ્રો રેકની જરૂરી જાળવણી શક્ય બનશે. આ પ્રકારની વ્યવસ્થા મેટ્રો લાઇન-4 માટે પણ અપનાવવામાં આવી રહી છે. તેના કારણે મેટ્રો લાઈન-6ની કામગીરી કાર શેડ પૂર્ણ થવાની રાહ જોયા વિના આગળ વધારી શકાય તેવી શક્યતા ઊભી થઈ છે

મેટ્રો લાઈન-6 સ્વામી સમર્થ નગરથી શરૂ થઈ વિક્રોલી ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (ઈઈએચ) સુધી પહોંચશે. સમગ્ર 15.31 કિલોમીટરનો કોરિડોર એલિવેટેડ હશે અને તેમાં કુલ 13 સ્ટેશનો હશે.આ મેટ્રો લાઈન મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતી મહત્વપૂર્ણ જાહેર પરિવહનની કડી બનવાની અપેક્ષા છે. તેનો માર્ગ જોગેશ્વરી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (ડબલ્યુઈએચ), જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (જેવીએલઆર) અને પવઈ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થશે.

મેટ્રો લાઈન-6નો મોટો હિસ્સો જેવીએલઆરના રોડ ડિવાઈડરના મધ્ય ભાગમાંથી પસાર થવાનો છે. આ માર્ગ પર મોટી સંખ્યામાં ઓફિસો, વ્યાવસાયિક સંસ્થાઓ અને કમર્શિયલ સ્થાપનો આવેલા હોવાથી મેટ્રોને સારો મુસાફર પ્રતિસાદ મળવાની અપેક્ષા છે. જોકે, ગાંધીનગર ખાતે મેટ્રો લાઈન-4 સાથેનું ઈન્ટરચેન્જ લાઈન-4ના સંબંધિત ભાગનું કામ પૂર્ણ થઈ તેને કાર્યરત કર્યા બાદ જ ઉપલબ્ધ થશે.

કાંજુરમાર્ગના મીઠાના અગરની જમીન પર કાર શેડનો પ્રસ્તાવ
મેટ્રો લાઈન-6 માટે સંપૂર્ણ કાર શેડ કાંજુરમાર્ગના મીઠાના અગરની જમીન પર બનાવવાનો પ્રસ્તાવ છે. આ માટે એમએમઆરડીએએ જમીનની માંગ કરી છે, પરંતુ જમીનના હસ્તાંતરણ માટેની મંજૂરીની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. 12 માર્ચ, 2026ના  મહારાષ્ટ્રના હાઉસિંગ વિભાગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના સચિવને પત્ર લખીને મીઠાના અગરની જમીનના ટ્રાન્સફર પ્રસ્તાવમાં સીટીએસ નંબર અને જમીનના ક્ષેત્રફળમાં સુધારા માટે મંજૂરી માંગી હતી.

કેન્દ્ર સરકારે અગાઉ આર્થર અને જેન્કિન્સ સોલ્ટ વર્ક્સની કુલ 197.4 એકર સોલ્ટ પાન જમીન મહારાષ્ટ્ર સરકારને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) માટે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. જોકે, એમએમઆરડીએએ મેટ્રો કાર શેડ માટે આર્થર મીઠાના સોલ્ટ વર્ક્સની 22 હેક્ટર એટલે કે આશરે 54.36 એકર જમીનની માંગ કરી છે. 

આથી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અગાઉ મંજૂર થયેલું 197.4 એકરનું કુલ ક્ષેત્રફળ જાળવી રાખવા માટે DRP અને પ્રોજેક્ટ પ્રપોનેન્ટ દ્વારા શેફર્ડ સોલ્ટ વર્ક્સ અને બટ્ટીવાળા સોલ્ટ વર્ક્સમાંથી જમીનની પુનઃફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

જમીનની સંયુક્ત માપણી દરમિયાન અગાઉના સીટીએસ રેકોર્ડમાં પણ ભૂલ મળી આવી હતી. કાંજુરમાર્ગના સીટીએસ નંબર 657ને બદલે યોગ્ય નંબર સીટીએસ 657એ હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારબાદ 197.4 એકર જમીનના સંપૂર્ણ ટ્રાન્સફર માટે સુધારેલો સંકલિત પ્રસ્તાવ ડીપીઆઈઆઈટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. 
હાઉસિંગ વિભાગે આ પ્રસ્તાવને વહેલી તકે મંજૂરી આપવા વિનંતી કરી છે, જેથી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમયમર્યાદા અને મેટ્રો કાર શેડની જરૂરિયાત બંનેને અનુરૂપ જમીન હસ્તાંતરણની પ્રક્રિયા આગળ વધી શકે.

સંપૂર્ણ ડેપો ઉપલબ્ધ ન હોવાના કારણે વિક્રોલીના છેડે તૈયાર કરવામાં આવતી એલિવેટેડ પિટ-લાઇન મેટ્રો લાઇન-6ની શરૂઆતની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પિટ-લાઇનમાં ટ્રેનના નીચેના ભાગમાં આવેલા સાધનો સહિત વિવિધ મિકેનિકલ અને અન્ય ઉપકરણોની તપાસ અને નિયમિત જાળવણી કરી શકાય છે. આથી મેટ્રો રેકને સુરક્ષિત અને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવામાં મદદ મળશે. 

MMRDA હાલમાં મેટ્રો લાઇન-4 માટે પણ સમાન પ્રકારની વ્યવસ્થા આગળ ધપાવી રહ્યું છે. સંપૂર્ણ કાર શેડ ઉપલબ્ધ ન હોવા છતાં પિટ-લાઇનની મદદથી પ્રારંભિક કામગીરી શરૂ કરવાની આ પદ્ધતિ મેટ્રો લાઇન-6 માટે પણ ઉપયોગી બની શકે છે.

મેટ્રો લાઇન-6ના પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ માળખાકીય સુવિધા તરીકે સ્વામી સમર્થ નગરથી અંધેરી ઈસ્ટના મહાકાલી વિસ્તાર વચ્ચે 2.58 કિલોમીટર લાંબો સંયુક્ત રોડ ફ્લાયઓવર અને મેટ્રો સ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યો છે. આ માળખું JVLRના રોડ ડિવાઇડરના મધ્યમાં એક જ પિયર્સ પર રોડ ફ્લાયઓવર અને મેટ્રો બંનેને સમાવવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે. આ કામ મુંબઈ મહાનગરપાલિકા (BMC) સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેવીએલઆર, પવઈ, વિક્રોલીના મુસાફર  માટે કોરિડોર મહત્વનો

મેટ્રો લાઇન-6 શરૂ થયા બાદ અંધેરી વિસ્તારથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફની મુસાફરીમાં અંદાજે 30થી 45 મિનિટનો સમય બચી શકે છે. ખાસ કરીને જેવીએલઆર, પવઈ, જોગેશ્વરી અને વિક્રોલી વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે આ કોરિડોર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.મેટ્રો લાઇન-6 કાર્યરત થયા બાદ પશ્ચિમ અને પૂર્વ મુંબઈ વચ્ચે જાહેર પરિવહનની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરોને અન્ય મેટ્રો કોરિડોર સાથે પણ સરળ ઇન્ટરચેન્જની સુવિધા મળશે.

મેટ્રો લાઇન-6 વધુ સુવિધાજનક પરિવહન વિકલ્પનો સાબિત થઈ શકે

મેટ્રો લાઇન-6 માટે સંપૂર્ણ કાર શેડનું કામ અને જમીન હસ્તાંતરણની પ્રક્રિયા હજુ મહત્વપૂર્ણ તબક્કામાં છે, પરંતુ વિક્રોલી ખાતેની એલિવેટેડ પિટ-લાઇન દ્વારા મેટ્રો સેવા શરૂ કરવાની શક્યતા ઊભી થઈ છે. જો આ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં આવે તો મુંબઈને વધુ એક મહત્વપૂર્ણ પૂર્વ-પશ્ચિમ મેટ્રો કનેક્ટિવિટી મળી શકે છે. ખાસ કરીને JVLR, જોગેશ્વરી, પવઈ અને વિક્રોલી જેવા વિસ્તારોમાં દૈનિક મુસાફરી કરતા હજારો મુસાફરો માટે મેટ્રો લાઇન-6 ઝડપી અને વધુ સુવિધાજનક પરિવહન વિકલ્પનો સાબિત થઈ શકે છે.

ચાર મેટ્રો લાઇન સાથે મળશે કનેક્ટિવિટી

મેટ્રો લાઇન-6ની સૌથી મોટી વિશેષતા તેની અન્ય મેટ્રો લાઇનો સાથેની કનેક્ટિવિટી રહેશે. આ લાઇન મુસાફરોને મુંબઈના વિવિધ મેટ્રો કોરિડોર વચ્ચે સરળતાથી મુસાફરી કરવાની સુવિધા આપશે.
. મેટ્રો લાઇન-2A સાથે ઈન્ટરચેન્જ: આદર્શ નગર ખાતે
. મેટ્રો લાઇન-7 સાથે ઈન્ટરચેન્જ: JVLR ખાતે
. મેટ્રો લાઇન-3 સાથે ઈન્ટરચેન્જ: આરેય ડેપો ખાતે
. મેટ્રો લાઇન-4 સાથે ઈન્ટરચેન્જ: ગાંધીનગર ખાતે