Wed Jun 03 2026

Logo

બેડ ન્યૂઝ: મુંબઈ મેટ્રો લાઇન 4 અને 4A શરૂ થવામાં કેમ થશે વિલંબ? જાણો નવી અપડેટ

2026-06-03 17:42:32
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ગૌમુખથી કેડબરી જંકશન વચ્ચેની મેટ્રો લાઇન 4 અને 4A શરૂ થવાની રાહ જોનારા પ્રવાસીઓને હજુ વધુ થોડા મહિના વેઈટ એન્ડ વોચ કરવું પડશે. છેલ્લા કેટલાક સમયથી ગૈમુખ-કેડબરી જંકશનની મેટ્રો લાઈન 4 અને 4અ ટેક્નિકલ ખામી અને સુરક્ષા સંમતિના લીધે લંબાવવામાં આવી છે એટલે હાલ પૂરતા વધુ એક મેટ્રો કોરિડોર શરુ થવામાં થોડા વધુ સમયની રાહ જોવી પડશે.

MMRDA અધિકારીઓના જણાવ્યા મુજબ બાકી રહેલા કામકાજ અને સુરક્ષા સબંધિત સઘન તપાસ ચાલી રહી હોવાથી લગભગ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને  ફેબ્રુઆરી મહિનામાં મુલુંડમાં સ્લેબ તૂટવાની દુર્ઘટનાને પગલે વધુ અસર જોવા મળી છે. એટલું જ નહીં, હાલમાં વરસાદ સબંધિત વિવિધ મુશ્કેલીઓના કારણે પણ કન્સ્ટ્રકશનનું કામકાજ ધીમું જોવા મળી રહ્યું છે.

પ્રવાસીઓને મેટ્રો લાઈન 4 અને 4A માટે હજુ વધારે મહિનાઓ રાહ જોવી પડશે. એક રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટનું 90 ટકા જેટલું કામ તો પૂર્ણ થઇ ચૂક્યું છે. થોડા મહિનાઓથી ચાલી રહેલા વિલંબના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ મેટ્રો કોરિડોરને મુલુંડમાં સ્લેબ તૂટવાની ઘટનાને કારણે અસર થઇ હતી, જ્યાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાને પગલે અધિકારીઓ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને મેટ્રો લાઈનની સુરક્ષા માટે જરૂરી હોય તેવી દરેક  સઘન તપાસ અને નિરીક્ષણ કરી રહ્યા છે.   

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ પ્રધાન એકનાથ શિંદે દ્વારા ગયા વર્ષે એક ટ્રાયલ ફ્લેગ ઑફ કરવામાં આવ્યું હતું. ગૌમુખ-વિજય ગાર્ડન વિભાગ ખુલ્લો મુકવામાં આવશે. ત્યાર બાદ કેડબરી જંકશન સુધી લંબાવવવામાં આવશે. મીડિયાના અહેવાલ અનુસાર મોઘરપરા કારશેડ પણ હમણાં થોડા સમય સુધી સ્થગિત કરવામાં આવશે, પણ મેટ્રો કોરિડોર મેઇન્ટેનન્સ માટે કામચલાઉ સેવા શરુ કરવામાં આવશે. 

કસાર વડવલી અને કેડબરી જંકશન વચ્ચેનો મેટ્રો કોરિડોર શરુ થતા જ પ્રવાસીઓનો મુસાફરીનો સમય બચશે. પ્રવાસીઓને કલાકો સુધી પીક અવર્સ દરમિયાન જે હાલાકીનો સામનો કરવો પડે છે તે સમયનો બચાવ થશે. જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ લાઇન શરૂ થવાથી કસાર વડવલી અને કેડબરી જંકશન વચ્ચે પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે અને પ્રવાસીઓનો ઘણો સમય બચશે.