દિલ્હી પોલીસે પકડી પાડેલા આઈએસઆઈ-અન્ડરવર્લ્ડ ટેરર મોડ્યુલનો ચોંકવનારો ખુલાસો
મુંબઈ: બાન્દ્રાના ગરીબ નગરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન ગેરકાયદે મસ્જિદ તોડી પાડવા સાથે સંકળાયેલા પોલીસ અને સુરક્ષા દળોના જવાનો પર આતંકી હુમલો કરવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે તાજેતરમાં પકડી પાડેલા પાકિસ્તાન પ્રેરિત આઈએસઆઈ-અન્ડરવર્લ્ડ ટેરર મોડ્યુલની પૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દિલ્હી પોલીસે શનિવારે એક નેપાળી નાગરિક સહિત આઠ શંકાસ્પદ આતંકી ઑપરેટિવ્ઝની ધરપકડ કરી હતી. આ મોડ્યુલે મુંબઈ, દિલ્હી અને અન્ય શહેરોમાં મહત્ત્વનાં આસ્થાપનાઓ, સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ્સ અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાની યોજના બનાવી હતી.
બાન્દ્રા પૂર્વમાં રેલવે સ્ટેશનને અડીને આવેલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી 19થી 23 મે દરમિયાન હાથ ધરાઈ હતી. ભારે સુરક્ષાવ્યવસ્થા વચ્ચે અનધિકૃત ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યાં હતાં. આ અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન એક ગેરકાયદે મસ્જિદ પણ જમીનદોસ્ત કરાઈ હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મસ્જિદ તોડી પાડવામાં આવ્યા પછી અમુક તોફાનીઓ હિંસા પર ઊતરી આવ્યા હતા. તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો અને બૉટલમારો કર્યો હતો, જેમાં 10 પોલીસ જખમી થયા હતા.
મુંબઈના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે પકડી પાડેલા શકમંદોની પૂછપરછમાં ઘણી મહત્ત્વની માહિતી સામે આવી છે. બાન્દ્રાના ગરીબ નગરમાં તોડકામ ઝુંબેશ દરમિયાન શકમંદોએ રૅકી કરી હતી. ઉપરાંત, પોલીસ બંદોબસ્તના વીડિયો અને તસવીરો પાકિસ્તાનમાં તેમના હેન્ડલરોને મોકલી હતી.
તોડકામ દરમિયાન સુરક્ષા માટે ગોઠવાયેલા પોલીસ જવાનો અને હિન્દુ સમુદાયના સભ્યોને ટાર્ગેટ કરવાની આતંકીઓની યોજના હતી. આ કથિત કાવતરું પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટી, યાવર ખાન અને અન્ડરવર્લ્ડના ગૅન્ગસ્ટર છોટા શકીલના નિકટવર્તી મુન્ના ઝિંગાડાએ ઘડ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આધારભૂત માહિતીને આધારે દિલ્હીની સ્પેશિયલ સેલના અધિકારીઓએ મુંબઈના કુર્લા પરિસરમાંથી સાજિદ મેહબૂબ શેખ ઉર્ફે અરબાઝ ખાન અને થાણે નજીકના મુંબ્રા ખાતેથી તૌકીર રિઝવાન શેખની 27 મેના રોજ ધરપકડ કરી હતી.
તપાસમાં જણાયું હતું કે સાજિદ અને તૌકીરે સંભવિત લક્ષ્ય તરીકે દાદર રેલવે સ્ટેશન બહારના પ્રવાસીઓના ભીડવાળા બ્રિજની રૅકી કરી હતી. આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સમાંથી મુંબઈનાં અનેક સ્થળોના વીડિયો મળી આવ્યા હતા. પાકિસ્તાન અને દુબઈના હેન્ડલર્સ સાથેની ચૅટ્સ અને વૉઈસ નોટ્સ પણ મોબાઈલમાં હોવાનું જણાયું હતું.
અધિકારીઓએ મુંબઈના શકમંદ તરીકે હુઝૈફાને ઓળખી કાઢ્યો હતો. તેણે મોડ્યુલમાં સ્થાનિકોની કથિત રીતે ભરતી કરી હતી. અત્યારે હુઝૈફા ફરાર હોવાથી તેની શોધ ચલાવાઈ રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તારણો વિશે અધિકારીએ જણાવ્યું હતું કે મોડ્યુલને ગ્રેનેડ હુમલો કરવાનું કામ સોંપાયું હતું. ઉપરાંત, મુંબઈમાં પોલીસ જવાનો, સલામતી દળના જવાનો અને મુખ્ય આસ્થાપનાઓ ખાતે અંધાધૂંધ ગોળીબાર કરવાની કામગીરી પણ સોંપાઈ હતી.
આ માહિતી સામે આવ્યા પછી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસ હાઈ અલર્ટ પર છે. આ નેટવર્ક સાથે જોડાયેલી સ્થાનિક લિંકની તપાસ કરવામાં આવી રહી છે. કાવતરું ઘડનારા તરીકે ઝિંગાડાનું નામ સામે આવ્યું છે. હાલમાં તે કરાચીથી સૂત્રસંચાલન કરતો હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઝિંગાડાએ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને ઇશારે 2000માં બૅન્ગકોકમાં ગૅન્ગસ્ટર છોટા રાજન પર હુમલો કર્યો હતો. બાદમાં ધરપકડ થતાં તે 17 વર્ષ તે થાઈ જેલમાં હતો.
(પીટીઆઈ)