Fri Sep 04 2026

Logo

2 કિલોમીટરના પ્રવાસ માટે ₹ 500ના ભાડાંની માંગણી સામે વિદેશી પ્રવાસીએ કહ્યું ‘બેચ ખાઓગે તુમ દેશ કો’

2026-08-20 18:40:22
Author: Mumbai Samachar Team
2 કિલોમીટરના પ્રવાસ માટે ₹ 500ના ભાડાંની માંગણી સામે વિદેશી પ્રવાસીએ કહ્યું ‘બેચ ખાઓગે તુમ દેશ કો’

મુંબઈ: હાલમાં મુંબઈમાં ટેક્સી-રિક્ષાચાલકો ચર્ચામાં છે, તેમાંય વળી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા મુદ્દે બળજબરી કરવામાં આવી રહી છે. જોકે, આ અહેવાલ વચ્ચે તાજેતરમાં એક વિદેશી પ્રવાસીએ ટેક્સીચાલકની મનમાની આકરી ટીકા કરી હતી. મુંબઈમાં વિદેશી પ્રવાસી પાસેથી માત્ર અંદાજે 2 કિલોમીટરની કેબ સવારી માટે ₹ 500ની માંગણી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

વીડિયોમાં કેબ ડ્રાઇવર પ્રવાસીને કહેતો જોવા મળે છે કે તેણે લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને તેના માટે આશરે ₹ 500 ચૂકવવા પડશે, પણ જયારે પ્રવાસીએ ગેરસમજણ દર્શાવીને ભૂલથી ફોન પે પર 5000 રૂપિયા નાખ્યા ત્યારે પણ તે ડ્રાઇવરે તે સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રવાસીને 5000 રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. 

વીડિયોમાં પ્રવાસી વારંવાર ડ્રાઇવરને સવારીનું અંતર અને ભાડું કેટલું થાય છે તે અંગે પૂછતો જોવા મળે છે. પ્રવાસીએ ફોનપે પર ₹ 5,000ની રકમ પણ દાખલ કરીને ડ્રાઇવરને બતાવી હતી. અને પછી ડ્રાઇવરને આ રકમ પર થોડું ડિસ્કાઉન્ટ આપવા જણાવ્યું હતું. પણ તેણે આ રકમ સામે પણ કોઈ ડિસ્કાઉન્ટ આપવાનો પણ ધરાર ઈનકાર કર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર ક્ષણ ત્યારે આવી, જ્યારે વિદેશી પ્રવાસીએ અચાનક અંગ્રેજીમાંથી શુદ્ધ હિન્દીમાં વાત કરવાની શરૂઆત કરી. મેક્સિકોના આ પ્રવાસીએ ડ્રાઇવરને કહ્યું હતું “બેચ ખાઓગે તુમ દેશ કો” અને આવી રીતે પ્રવાસીઓ સાથે વર્તન ન કરવાની પણ સલાહ આપી હતી.

પ્રવાસીએ ડ્રાઈવરને સમજાવ્યું કે આવા લોકોના કારણે દેશની છબિ ખરાબ થાય છે અને ભારતની મહેમાનગતિની લાંબા સમયથી ચાલતી પરંપરાને નુકસાન પહોંચે છે. વાતચીત બાદ પ્રવાસીએ કેબ ડ્રાઇવરને ફોનપે મારફતે માત્ર ₹ 100 ચૂકવ્યા હતા. 

વાયરલ વીડિયોના દાવા મુજબ ડ્રાઇવરે પ્રવાસીને વધુ ₹ 100 ચૂકવવા માટે પણ વિનંતી કરી હતી. જોકે, પ્રવાસીએ વધારાની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો અને ₹100 ચૂકવીને ત્યાંથી ચાલ્યો ગયો.જતાં પહેલાં પ્રવાસીએ “અતિથિ દેવો ભવઃ” કહીને વાત પૂરી કરી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પ્રવાસીના વર્તન તથા હિન્દી ભાષા પરના તેના પ્રભુત્વની ચર્ચા કરી રહ્યા છે. સાથે જ, કેટલાક લોકોનું કહેવું છે કે થોડા લોભી વ્યક્તિઓના વર્તનને કારણે ભારતની મહેમાનગતિ અને પ્રવાસન ક્ષેત્રની પ્રતિષ્ઠાને નુકસાન ન થવું જોઈએ.