Fri Sep 04 2026

Logo

રેલવે સ્ટેશન પરિસરની ફૂટપાથ કરો અતિક્રમણ મુક્ત: ભીડે

2026-08-28 08:30:00
Author: Sapna Desai
રેલવે સ્ટેશન પરિસરની ફૂટપાથ કરો અતિક્રમણ મુક્ત: ભીડે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રેલવે પરિસરમાં પીક અવર્સમાં થતી ભીડને પગલે સ્ટેશન પરિસરમાં રાહદારીઓ માટે ચાલવું અને વાહનચાલકો માટે વાહન  ચલાવવું અત્યંત મુશ્કેલ  બની ગયું છે ત્યારે  રેલવે સ્ટેશન પરિસરમાં પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસી અંતર્ગત નાગરિકોને ચાલવા માટે ફૂટપાથ ઉપલબ્ધ કરાવવાની સાથે જ રેલવે સ્ટેશનના નજીકના પરિસરનો વિકાસ કરવા માટે અધિકારીઓને શકય એટલી વહેલી તકે પૉલિસી તૈયાર કરવાનો નિર્દેશ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ આપ્યો છે.

પૂર્વ ઉપનગરના વિસ્તારોમાં દિવસેને દિવસ વસતી વધી રહી છે તેની અસર રેલવે સ્ટેશન અને તેના આજુબાજુના પરિસરને પણ વર્તાઈ રહી છે. સવાર-સાંજના પીક અવર્સમાં એટલી ભીડ હોય છે કે રેલવે સ્ટેશનની બહાર નીકળનારી વ્યક્તિને ચાલવા માટે જગ્યા જ રહેતી નથી ત્યારે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ ગુરુવારે પૂર્વ ઉપનગરના ઘાટકોપર, મુલુંડ, કાંજુરમાર્ગ અને ભાંડુપમાં સ્ટેશન બહાર આવેલા વિસ્તારો સહિત ત્યાં આવેલી ફૂટપાથનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે નાગરિકોની સમસ્યા પર ધ્યાન  કેન્દ્રિત કર્યું હતું અને અધિકારીઓને સ્ટેશન પરિસરમાં રાહદારીઓ માટે ચાલવા માટે યોગ્ય ફૂટપાથ ઉપલબ્ધ કરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પરિસરમાં એક્સિસીબલ ફૂટપાથ પૉલિસી અંતર્ગત મુંબઈમાં પેડેસ્ટ્રિયન ફર્સ્ટ યોજનાને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવાની આવશ્યકતા પર કમિશનરે ભાર આપ્યો છે. રેલવે સ્ટેશનના નજીકના પરિસરમાં રહેતી ભીડને ધ્યાનમાં રાખીને આ જગ્યાનો વિકાસ કરવા માટે પ્રશાસકીય સ્તરે પૉલિસી તૈયાર કરવામાં આવવાની છે. તેથી રેલવે સ્ટેશન પરિસરમાં ફૂટપાથની સાથે જ રોડ પરના ટ્રાફિક જૅમની સમસ્યાનો પણ ઉકેલ આવી શકશે. તેથી ભીડના સમયે નાગરિકોને સ્ટેશન પરિસરમાં ચાલવું શકય બનશે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે એક્સિસીબલ ફૂટપાથ પૉલિસી અંતર્ગત મુંબઈમાં પેડેસ્ટ્રિયન ફર્સ્ટ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. એ સાથે જ કચરો જયાં ભેગો થતો હોય એવા સંવેદનશીલ સ્થળો (ગાર્બેજ વેલ્યુનેરેબલ પોઈન્ટ)ના નિર્મૂલનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ કાર્યવાહી ચાલી રહી છે, જેનું ગુરુવારે કમિશનરે  ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે લાઈસન્સમાં નમૂદ કરવામાં આવેલી જગ્યા કરતા વધુ ક્ષેત્રફળ પર વ્યવસાય કરનારા ફેરિયાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.

એસ વોર્ડમાં ૨૦.૫૦ કિલોમીટર લાંબી ફૂટપાથ બનશે
એસ વોર્ડમાં આવેલા ભાંડુપ પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન બહાર બેસ્ટનો ડેપો આવેલો હોવાથી મોટા પ્રમાણમાં ભીડ થતી હોવાને કારણે અહીં બેસ્ટ બસના નિયમિત ટ્રાન્સપોર્ટેશન અને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે યોગ્ય પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ કમિશનરે આપ્યો છે. સ્ટેશનની બહાર ૯૪ ગાળાધારકો હોઈ તેમને પર્યાયી જગ્યા આપીને અહીં જગ્યા ખુલ્લી કરવામાં આવવાની છે. એ બાદ અહીં રેલવે સ્ટેશન સુધી જવા માટે રાહદારીઓ માટે ફૂટપાથ ઊભી કરી આપવામાં આવશે.

કાંજુરમાર્ગ પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન બહાર આવેલા ૨૪ ગાળાઓને હટાવીને જગ્યા રાહદારીઓને ચાલવા માટે ફૂૂટપાથ બનાવી આપવામાં આવવાની છે. બીજા તબક્કામાં એલબીએસ રોડ પર ભટ્ટીપાડા જંકશન પર ૨૬ ગાળા અને પેપરમિંટ ચાલના ૨૭ ગાળાઓ હટાવીને ત્યાં ફૂટપાથ બનાવવામાં આવવાની છે. એસ વોર્ડમાં કુલ ૧૪ રોડ પર ૨૦.૫૦ કિલોમીટર લાંબી ફૂટપાથ બનાવવામાં આવવાની છે. એન વોર્ડના ઘાટકોપરમાં કુલ ત્રણ કિલોમીટર લાંબી ફૂટપાથ ચાલવા માટે ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે.


રસ્તા પર કચરો ફેંકનારા પર સીસીટીવીથી નજર 
મુંબઈમાં અનેક વિસ્તારોમાં નાગરિકો રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકતા હોય છે અને ત્યાં પછી કાયમી ધોરણે કચરા ફેંકવાનું મિની ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવું બની જતું હોય છે. તેથી પાલિકાએ હવે કચરાના સંવેદનશીલ સ્થળોને જ નિર્મૂલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં મુલુંડ અને ભાંડુપમાં લોકો રસ્તા પર કચરો ફેંકે નહીં તે માટે કચરો ભેગો કરવા માટે નીમેલો કૉન્ટ્રેક્ટર હવે સ્થાનિક પરિસરમાં ઘર-ઘરમાં ફરીને નિયમિત રીતે કચરો ભેગો કરશે. રસ્તા પર કચરો ફેંકનારા પર સીસીટીવી કેમેરાથી નજર રાખીને તેમની પાસેથી દંડ વસૂલ કરાશે.