(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા દરમ્યાન રેલવે ટ્રેક નજીક આવેલા વૃક્ષો તથા તેની ડાળખી તૂટી પડીને રેલવે લાઈન ઠપ્પ થવાની શકયતા વધુ હોય છે. તેથી ચોમાસા પહેલાની તૈયારીરૂપે રવિવારે પાલિકા દ્વારા મધ્ય રેલવે લાઈનને અડીને આવેલા ઝાડ અને તેના ડાળખીને કાપીને ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકાના ઉદ્યાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસામાં મુંબઈ શહેરમાં રેલ્વે લાઇનને લાગીને ઓલા ઝાડની ડાળીઓ પવન અથવા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર તૂટી પડવાની શકયતા હોય છે. આનાથી લોકલ રેલ ટ્રાફિકમાં વિક્ષેપ પડીને રેલ વ્યવહાર ખોરવાઈ શકે છે. તેમ જ મુસાફરો માટે સલામતીનો પ્રશ્ર્ન પણ ઊભો થઈ શકે છે.
આ સંદર્ભમાં મધ્ય રેલ્વે દ્વારા રવિવાર, ૩૧ મે, ૨૦૨૬ ના રોજ મેગા બ્લોક લેવામાં આવ્યો હતો. આ મેગા બ્લોક દરમ્યાન મધ્ય રેલવે વહીવટીતંત્રની વિનંતી મુજબ પાલિકાના ઉદ્યાન વિભાગ મારફત રેલવે ટ્રેક અને પાવર લાઇનો પર ઝૂકેલા અને સંભવિત જોખમ ઊભું કરતા વૃક્ષોની ડાળીઓની જરૂરી કાપણી કરવામાં આવી હતી. તેથી ચોમાસા દરમ્યાન સંભવિત જોખમ શકય તો ટળી ગયું છે.
નોંધનીય છે કે ૨૦૧૮ની વૃક્ષ ગણના મુજબ હાલ મુંબઈમાં કુલ ૨૯,૭૫,૨૮૩ વૃક્ષ છે, જેમાં સરકારી જગ્યા પર ૧૦,૬૭,૬૪૧, ખાનગી જગ્યા પર ૧૫,૫૧,૧૩૨, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ૯,૩૩૭, પાર્કમાં ૧,૦૧,૩૬૧, રસ્તા પર ૧,૮૫,૯૬૪ અને અન્ય જગ્યા પર ૫૯,૮૪૮ વૃક્ષની સંખ્યા છે.
આ દરમ્યાન મુંબઈમાં જોખમી હાલતમાં રહેલા વૃક્ષોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૩૮૭ વૃક્ષ જોખમી અને મૃત હાલતમાં હોવાનું જણાયું હતું. તો ૩૬૯ જખોમી અને મૃત વૃક્ષને કાપી નાખવામાં આવ્યા હતા. હજી ૧૮ જોખમી ઝાડને હટાવવાની કામગીરી ચાલી રહી છે. તો પાલિકા દ્વારા પ્રી-મોન્સુન એટલે કે ચોમાસા પહેલા જોખમી વૃક્ષો અને તેની ડાળખીની છટણી કરવામાં આવતી હોય છે, તેમાં ૮૪,૮૧૯ ઝાડને ચોમાસા પહેલા ટ્રીમિંગની આવશ્યકતા હોવાનું જણાઈ આવ્યું હતું. અત્યાર સુધી એટલે કે ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં ૬૭,૨૭૪ ઝાડનું ટ્રીમિંગ થઈ ગયું છે અને ૧૭,૧૯૭ ઝાડનું ટ્રીમિંગ બાકી છે.