સુભાષ ઠાકર
‘તમે બંને આમ કોઈના બેસણામાં બેઠા હો એવું મોઢું કરી કેમ બેઠા છો?’ જેલરને અને ઈન્સ્પેક્ટરને મેં પૂછ્યું
‘કોઈના નઈ અમારા જ બેસણામાં બેઠા છીએ, આજે કેદીઓ જેલમાં હનુમાન જયંતી હોવાથી રામલીલા રમવા લાગ્યા.’
‘વા...ઉ વોટ એ સરપ્રાઈઝ?’
‘એ સરપ્રાઈઝની સગલી... જે હનુમાનજી બનેલો એ જંગલમાં સંજીવનીવટી લેવા ગયો એ હજી પાછો નથી આવ્યો.’
‘બાપરે એ તો બચી ગયા નઈતર રામ લક્ષ્મણ વનમાં જશે તો એ પણ...’
આજે તમે નઈ જાણી હોય એવી રામ-હનુમાનની વાત જણાવું.
બન્યું એવું કે એ દિવસે ‘હે મારા હૃદયના રામ’ હનુમાન બોલ્યા ‘રામનવમીના દિવસે આપના ભક્તોનું દર્શનનું પ્રદર્શન જોયું ને મારી સોલીડ ખચકેલી.’
‘હ-નુ-મં-ત’ રામે એવી ત્રાડ પાડી કે વૃક્ષો ડોલ્યાં પાંદડાં ધ્રુજ્યાં ખર્યાં:
‘મારા પ્રિય ભક્તોના દર્શનને તું પ્રદર્શન કહે છે તારી વાણીને કાબૂમાં રાખ અરે જે ભક્તો નતમસ્તકે મારી પ્રાર્થના કરે છે એ ભક્તોને તું પ્રદર્શન... છટ.’
‘અરે પ્રભુ. એ નતમસ્તકે વોટ્સએપ ચેક કરે છે અરે યુ નો એ ભૂલી જ ગયો ક્યાં બેઠો છે. એ તો તમને પણ લખશે ‘પ્રભુ તમને સુખી રાખે’ અને જેણે રામનવમીએ રામરક્ષાસ્તોત્ર ગાયા એ જ ટોળું હનુમાનજયંતીએ હનુમાનચાલીસા ને બ્યુટીફૂલ કાંડ ગાશે.’
‘હેં! બ્યુટીફૂલ કાંડ’?’ રામ ચમક્યાં
‘એટલે સુંદરકાંડ પ્રભુ, અરે જે ભક્તો રામનવમીએ રામકૃપા માગતા હતા એ ટોપાભક્તો હનુમાનજયંતીના દિવસે હનુમાન કૃપા માગશે. હવે નક્કી કરવાનું છે કે કોણ કૃપા ઉતારે તમે કે હું?’
‘તું જ નક્કી કર તું પણ ભગવાન તો જ છે ને?’
‘અરે પ્રભુ આ લોકો ક્યારેય માગણીઓથી ધરાતા જ નથી. એની ઊંચાઇ કરતા એની ઈચ્છાઓની ઊંચાઇ વધુ છે. એને બધુ માગવું છે. પણ આપવામાં? એ ફૂલ આપી બગીચો માગે છે. એને એ વિચાર કેમ નથી આવતો કે શ્રીરામ માટે મુગટ કે ધનુષ્યબાણ કે હનુમાનજી માટે સારી ક્વોલીટીની ગદા કે લંગોટ લઇ જાઉં.’
‘અરે હનુ બકા, આ બંને શસ્ત્રો આઉટ ઓફ ડેટેડ થઇ ગયા ને હવે આપણે ક્યાં કોઈ સાથે મારામારી કરવી છે. હવે બજારમાં ક્યાં જોવા મળે છે...’
‘પ્રભુ આપ એની ફેવર ન કરો. જિંદગી પૂરી થાય ત્યાં સુધી માગ્યા જ કરશે.. ફૂલ ચડાવશે ને ફૂલ (મૂર્ખ) બનાવ્યા કરશે... પ્રભુ. તમે સરસ છો પણ સરળ થવામાં થોડા લોચા છે. ભગવાન હોવા છતાં પ્રાર્થના અને ભીખ વચ્ચેનો ભેદ ખબર નથી. તમે ભલે ભોળાનાથ નથી પણ ભોળા તો છો જ. કેટલાક બુદ્ધિના લઠ્ઠ પ્રભુ આપના મંદિરમાં ‘દર્શન દો ઘનશ્યામ આજ મોરી અખિયા પ્યાસી રે’ ગાય ત્યારે મારું હૈયું કળીએ કળીએ ન કપાય?’
‘અલ્યા ઘનચક્કર, આ ઘનશ્યામ છે? ના. એની બાજુમાં રાધા ઊભેલી દેખાય છે? ના. એના હાથમાં વાંસળી છે? ના મુગટ પર પીંછુ છે? ના. એને ક્યા એન્ગલથી અહીં ઘનશ્યામ દેખાયા? એને ધનુષ્ય આકારના હોઠ આપ્યા એટલે ગમે તે ગીતના બાણ છોડવાના? આ રામ છે? દેખાય છે?’
‘જો હનુ, તુ એનો સ્વભાવ નઈ ભાવ જો. એ ક્યારે નથી ગાતો કે ‘કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે આના’તો થોડીવાર આપણે શ્યામ બની જવાનું. ધનુષ્યના બદલે વાંસળી પકડી છે એમ વિચારવાનું. હમ સબ એક હૈ. તું શબ્દ નઈ ભાવ પકડ.’
‘સોરી પ્રભુ. હું તો કઉં છું આ માણસ જાત પર કેસ કરવો જોઈએ. તમારું પણ ભગવાનોમાં મોટું નામ છે. દરેક શુભ કામની શરૂઆત કરતી વખતે એ બોલે શ્રી ગણેશાય નમ: ... કંકોતરીમાં પણ શ્રી ગણેશાય નમ: લખે છે ‘શ્રી રામચન્દ્રાય નમ: વાંચ્યું?’
‘શાંત બજરંગ શાંત... ભગવાન થઈ માણસ જેવા વિચાર આપણને ન શોભે.’
‘રિયલી આપના વિચારો ને ઉદારતાને ધન્યવાદ, છતાં એક પેટ છૂટી વાત કરું?’
‘પેટછૂટી હોય કે છાતીછૂટી. યુ આર માય ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ. બિન્દાસ બોલ.’
‘પ્રભુ, નાના મોઢે મોટી વાત પણ આ ચૌદ વર્ષ વનવાસ સ્વીકાર્યો. એ તો જબરું કેવાય અમારી માં તો ચૌદ દિવસ પણ જંગલની બહાર જવાનું કે તો ધડ કરતી ના પાડી દઈએ. અમને ગામમાં ન ફાવે. અમારા કોઈ બંદરને 14 સેકંડ પણ એક ડાળ પર બેઠેલો જોયો? અમારું તન ને માણસનું મન બંને સરખા. 14 સેકંડ પણ જંપીને બેસવા ન દે. બંનેને જંપ નથી એટલે જમ્પ માર્યા કરે. છતાં બધાના સહકારથી માં જાનકીને રાવણને પાડવા પછાડવા બધા બંદર મિત્રોએ મદદ કરી ને સૌ સારા વાના થઈ ગયા. આઈ નો... વાઈફ ઇઝ ઓન્લી અવર લાઇફ.
યે બાત આપકો ભી લાઇક કરની પડેગી.’
બીજા દિવસે રામે હનુમાનના માનમાં સન્માન સમારંભ રાખ્યો ને રામ બોલ્યા:
‘મારા ભક્તો રામ લક્ષ્મણ જાનકી ભલે બોલો પણ સાચું તો જય બોલો હનુમાનકી જ છે. અરે ખુદને પરવાહ નહિ કી ખુદકી જાનકી ઓર બચાઇ ઉસને મેરી જાનકી’ બોલી સન્માનપત્ર આપ્યું.
‘નહીં પ્રભુ, આપેજ કીધેલું આ શરીર ને નામથી માંડી સન્માન બધુ જ ઉધારનું છે. તમે ભલે ન કીધું પણ આઈ નો કે આપનું મૂળ નામ રામ નથી પણ જ્ઞાન, સીતાજીનું ભક્તિ ને લક્ષ્મણનું વૈરાગ ને રાવણનો અહંકાર છે. એમ મારું નામ પણ હનુમાન નથી પણ હણુમાન છે.
આપણા મનને અને નામને માન જોઈએ છે. મળે તો ફુલાઈ જાય ને ન મળે તો પીડા થાય, એના કરતા માનની અપેક્ષાને જ હણી નાખીએ તો કોણ આપણું અપમાન કરે?’
‘અરે વાહ મારા હનુમાન, શું જ્ઞાન છે?’ હનુમાન રામનાં ચરણોમાં પડ્યાં. રામે ઊભા કરી ગળે લગાડયા ‘તારું સ્થાન મારા ચરણમાં નઈ મારા હૈયામાં છે.’
બોલો બજરંગબલી કી જય.
શું કહો છો?