નવી દિલ્હીઃ ભારતીય પેસ બોલર મોહમ્મદ શમી (Shami) એક લાખ રૂપિયાના ચેક-બાઉન્સ કેસમાં ચાર વર્ષે નિર્દોષ જાહેર થયો છે. શમી અને તેની પત્ની હસીન જહાં (Hasin Jahan) ઘણા વર્ષોથી અલગ રહે છે અને 2022માં હસીન જહાંએ શમી વિરુદ્ધ ચેક-બાઉન્સનો કેસ નોંધાવ્યો હતો.
શમી જ્યારથી પત્નીથી અલગ રહે છે ત્યારથી ફિટનેસની સાથે અંગત જીવન બાબતમાં પણ સતત ચર્ચામાં રહ્યો છે. તેને ઘણા મહિનાઓથી ભારતીય ટીમમાં વાપસી નથી કરવા મળી. આ વિશે તેની અપૂરતી ફિટનેસ કારણરૂપ હોવાનું કહેવાય છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ઘણા સારા પર્ફોર્મન્સ આપ્યા છતાં ફરી ટીમ ઇન્ડિયામાં સામેલ નથી કરવામાં આવ્યો.
શમી વિરુદ્ધનો પત્ની હસીન જહાંનો ચેક (Cheque) બાઉન્સનો કેસ અલીપોર શહેરની અદાલતમાં ચાલી રહ્યો હતો. બુધવારે ચીફ જ્યૂડિશ્યલ મૅજિસ્ટ્રેટે શમીને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો.
શમીએ કહ્યું હતું કે `મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો રહ્યો છે. મને વિશ્વાસ હતો કે આ કેસમાં મારો જ વિજય થશે. મારે જે કંઈ પૈસા ચૂકવવાના હતા એ મેં ચૂકવી દીધા હતા.' જોકે અદાલતમાં શમી અને પત્ની હસીન જહાં વચ્ચે બીજા કેટલાક કેસ પણ ચાલી રહ્યા છે. ખાસ કરીને હસીન જહાંએ તેની સામે ઘરેલું હિંસાનો તેમ જ પૂરતી આર્થિક સહાયતા ન મળી રહી હોવાનો કેસ પણ નોંધાવ્યો છે.