Tue Oct 06 2026

Logo

અદભુત નજારો! ગીર ગઢડાના ઝુડવડલીમાં મકાનની અગાસી પર બેસી 6 સાવજે માણી વરસાદની મજાઃ Video

2026-09-23 08:36:00
Author: Mayur Patel
અદભુત નજારો! ગીર ગઢડાના ઝુડવડલીમાં મકાનની અગાસી પર બેસી 6 સાવજે માણી વરસાદની મજાઃ Video

ગીર ગઢડાઃએશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીર વિસ્તારમાં સાવજોનું માનવ વસાહત અને સીમ વિસ્તારમાં વિચરણ હવે સામાન્ય બન્યું છે. ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું કાયમી આશ્રયસ્થાન માનવામાં આવે છે. અહીં અવારનવાર સિંહોના ધામા જોવા મળતા હોય છે, પરંતુ તાજેતરમાં ઝુડવડલીની સીમમાં એક એવો અદભુત અને રોમાંચક નજારો જોવા મળ્યો હતો, જેણે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આશ્ચર્ય જગાડ્યું છે.

રાત્રિ દરમિયાન ગાયનું મારણ કરી મિજબાની માણી

ગત રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલો ૬ સિંહોનો એક પરિવાર ઝુડવડલી ગામની સીમમાં આવી ચડ્યો હતો. જેમાં એક નર સિંહ, ત્રણ સિંહણ અને બે સિંહબાળ સામેલ હતા. સિંહ પરિવારે અહીં એક ગાયનું મારણ કરી પેટભરીને મિજબાની માણી હતી. સિંહોના આ મારણ અને હાજરીની જાણ વાયુવેગે પ્રસરતાં ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

ધોધમાર વરસાદમાં ધાબા પર સાવજોની શાહી બેઠક

સામાન્ય રીતે રાત્રિના સમયે સિંહોનું વિચરણ સામાન્ય ગણાય છે, પરંતુ દિવસે અને તે પણ ધોળે દિવસે ઘરઆંગણે આવી ચડવું એ સ્થાનિકો માટે કૌતુક સાથે ચિંતાનો વિષય બન્યો છે. બપોરના સમયે જ્યારે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ઝુડવડલી સીમ વિસ્તારમાં આવેલી મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર આખો સિંહ પરિવાર ચડી ગયો હતો.

બપોરના વરસાદમાં ભીંજાતા-ભીંજાતા સિંહો અગાસીની પાળી (પેરાપેટ) પર અત્યંત શાંતિથી બેઠા હતા. જાણે કોઈ કુદરતી રિસોર્ટમાં બેસીને ચોમાસાની મજા માણી રહ્યા હોય તેમ આ સિંહ પરિવાર કલાકો સુધી અગાસી પર આરામ ફરમાવતો રહ્યો હતો.

વાડી માલિક કામ પડતું મૂકી 'મોંઘેરા મહેમાન'ને જોતા રહ્યા

વાડી માલિક મુન્નાભાઈ દોમડીયા જ્યારે પોતાની વાડીએ નિત્યક્રમ મુજબ પહોંચ્યા ત્યારે પોતાના જ મકાનની અગાસી પર ડાલામથ્થા સિંહોને બિરાજમાન જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા અને સિંહોની મોજ જોઈને તેમણે ખેતીનું તમામ કામ પડતું મૂકી દીધું હતું. તેઓ નીચે ઊભા રહીને આ મોંઘેરા મહેમાનો અગાસી પરથી ક્યારે નીચે ઉતરે તેની ધીરજપૂર્વક રાહ જોતા રહ્યા હતા.

અગાસીની પાળી પર બેસીને સિંહો નીચે ખેતરમાં કામ કરતા શ્રમિકો તરફ પણ નજર રાખી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુન્નાભાઈએ આ દુર્લભ અને અદભુત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. માનવ વસાહતના મકાનની છત પર વરસાદનો આનંદ માણતા આ સિંહ પરિવારનો વીડિયો હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો.