થાણે: મીરા રોડમાં ચાર વર્ષના બાળકને તેની માતાના પ્રેમીએ બેરહેમથી પીટાઇ કરીને મારી નાખ્યો હોવાની ઘટના મીરા રોડમાં બની હતી. સોમવારે બાળકના મૃત્યુ અંગેની પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને શંકા ગયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કાશીમીરા પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી અને ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ શંભુ શર્મા તરીકે થઇ હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બાળકની માતા આરોપી શંભુ શર્મા સાથે રહેતી હતી અને આરોપીએ તેના ઘરમાં બાળકની બેરહેમીથી પીટાઇ કરી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આરોપીએ બાળકના મૃત્યુને કુદરતી ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પંચનામા દરમિયાન પોલીસને બાળકના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેને પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જેના અહેવાલમાં મારપીટને કારણે થયેલી ઇજાથી બાળકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન પોલીસે આરોપીને તાબામાં લઇને આકરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આથી આરોપી શર્મા વિરુદ્ધ મંગળવારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઇ હતી. આરોપીએ બાળકની શા માટે પીટાઇ કરી હતી અને માતાને કથિત ગુનાની જાણ હતી કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
(પીટીઆઇ)