મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સે અહીં પંજાબ કિંગ્સ સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરમાં છ વિકેટે બનેલા 195 રનના સ્કોર પર ઇનિંગ્સ પૂરી કરી હતી અને પંજાબને 196 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈએ આ વખતે પહેલી જ વખત રમાડેલા ક્વિન્ટન ડિકૉકે (122 અણનમ, 60 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) શાનદાર સદી ફટકારીને મુંબઈને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું. ડિકૉક (De kock)ની આઇપીએલમાં આ ત્રીજી સદી હતી અને આ વખતની સીઝનમાં સદી ફટકારનાર સંજુ સૅમસન પછીનો બીજો સેન્ચુરિયન બન્યો હતો.
શ્રેયસનો `કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ'
Shreyas Iyer took once in a generation catch pic.twitter.com/jYKatcXsT8
— Shiv (@mr_Tubun) April 16, 2026
મુંબઈની ટીમ 200 રનના જાદુઈ આંકડા સુધી નહોતી પહોંચી શકી. બીજી તરફ, પંજાબના સુકાની શ્રેયસે ઐયરે ઝીલેલા હાર્દિક પંડ્યા (14 રન, 12 બૉલ, એક સિક્સર)ના કૅચની સર્વત્ર બોલબાલા હતી. આ `કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ' બની શકે. 18મી ઓવરમાં શ્રેયસે અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી. તેણે અદ્ભુત કૅચ ઝીલ્યો હતો. હાર્દિકના વન-હૅન્ડેડ ઊંચા શૉટમાં બૉલ બાઉન્ડરી લાઇનને પાર જઈ રહ્યો હતો ત્યારે બાઉન્ડરી પાસે ઊભેલા શ્રેયસે (Shreyas) બાઉન્ડરી તરફ જવાની શરૂઆત કરી દીધી હતી અને પાછળની તરફ ઊંચી છલાંગ લગાવીને બૉલ ઝીલી લીધો હતો. જોકે પોતે હવામાં હતો ત્યારે જ સમય સૂચકતાથી બૉલ તેણે નજીક ઊભેલા ફીલ્ડર ઝેવિર બાર્ટલેટ તરફ ફેંક્યો હતો અને બાર્ટલેટે કોઈ ભૂલ નહોતી કરી. ધમાકેદાર બૅટિંગ કરવાના મૂડમાં રમવા આવેલા હાર્દિકની ઇનિંગ્સ આ કૅચને કારણે 14 રન પર જ સમેટાઈ ગઈ હતી.
નમન-ડિકૉકની 122ની ભાગીદારી
એ પહેલાં, ક્વિન્ટન અને નમન ધીર (50 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે માત્ર 68 બૉલમાં 122 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. નમનની વિકેટ શશાંક સિંહે લીધી હતી. શેરફેન રુધરફર્ડ એક રન તથા આ ટૂર્નામેન્ટમાં સતત ફ્લૉપ જઈ રહેલા તિલક વર્માએ બે ફોરની મદદથી આઠ રન કર્યા હતા. તે 20મી ઓવરના પાંચમા બૉલ પર રનઆઉટ થયો હતો. નવા ખેલાડી મયંક રાવતને એકેય બૉલ રમવા નહોતો મળ્યો અને તે શૂન્ય પર અણનમ રહ્યો હતો. પંજાબના અર્શદીપ સિંહે ત્રણ તથા શશાંક સિંહ અને માર્કો યેનસેને એક-એક વિકેટ લીધી હતી. અર્શદીપે આઇપીએલમાં 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.
સૂર્યકુમારનો ગોલ્ડન ડક
અર્શદીપે પોતાની બીજી જ ઓવરના પહેલા બે બૉલમાં રાયન રિકલ્ટન (બે રન) અને સૂર્યકુમાર યાદવ (0)ની વિકેટ લીધી હતી. સૂર્યકુમાર પોતાના પ્રથમ બૉલમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. અર્શદીપના બૉલમાં શૉર્ટ થર્ડમૅન પર ચહલે તેનો કૅચ ઝીલ્યો હતો. અર્શદીપને હૅટ-ટ્રિક ચાન્સ હતો, પણ નમન ધીરે તેને સફળ નહોતો થવા દીધો. રોહિત ઈજાને કારણે ન રમ્યો હોવાથી ડિકૉકને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.