ચેન્નઈમાં કોંગ્રેસ અધ્યક્ષના પ્રહારો: ED અને CBIના દુરુપયોગ મુદ્દે ભાજપ અને AIADMK પર નિશાન તાક્યું
ચેન્નઈ: પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ટાણે રાજનેતાઓ એકબીજાની પાર્ટી પર વ્યક્તિગત આરોપપ્રત્યારોપ કરવા માટે જાણીતા છે, જેમાં ફરી કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન તાકીને યુ-ટર્ન પણ લીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ચેન્નઈમાં પત્રકારોને સંબોધતા ખડગેએ AIADMKની ટીકા કરતા વડા પ્રધાન મોદીને "આતંકવાદી" ગણાવી દીધા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે અન્નાદુરાઈના આદર્શોમાં માનતી પાર્ટી મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે?
જોકે, નિવેદન પર વિવાદ વધતા ખડગેએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેમનો કહેવાનો અર્થ વડા પ્રધાન મોદીને આતંકવાદી કહેવાનો નહોતો, પરંતુ તેઓ ED, CBI અને IT જેવી સંસ્થાઓ દ્વારા રાજકીય પક્ષો અને લોકોને "ધમકાવે" છે તેવો હતો.
સ્ટાલિનના વખાણ કર્યા
ખડગેએ AIADMK પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ પક્ષે પોતાની ઓળખ ગુમાવી દીધી છે અને તે ભાજપનો મૂક ગુલામ ભાગીદાર બની ગયો છે. તેમણે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનના વખાણ કરતા કહ્યું કે રાજ્યને એવા નેતાઓની જરૂર છે જે ભાજપ સામે ઝૂકે નહીં.
ખડગેએ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર લોકશાહીને નબળી પાડી રહી છે અને બંધારણીય સંસ્થાઓનો ઉપયોગ કરીને વિપક્ષોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
PM મોદી પર આચારસંહિતાનો ભંગ
ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેએ વડાપ્રધાન પર આદર્શ આચારસંહિતાના ભંગનો પણ આરોપ લગાવ્યો હતો. સંસદમાં 131મો બંધારણીય સુધારો બિલ પસાર ન થયા બાદ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સંબોધન કરવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા તેને 'ભાજપનું વિસ્તરણ' ગણાવ્યું હતું. મહિલા અનામત બિલ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે 2023માં જ આ બિલને ટેકો આપ્યો હતો, પરંતુ સરકાર વસ્તી ગણતરી અને સીમાંકનના બહાને તેના અમલીકરણમાં વિલંબ કરી રહી છે.
ભાજપે ખડગેના નિવેદનને વખોડયું
બીજી તરફ, ભાજપે ખડગેના આ નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કોંગ્રેસની આકરી ટીકા કરતા જણાવ્યું કે કોંગ્રેસે અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીનું 175 વાર અપમાન કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ જેહાદીઓ અને નક્સલીઓને નિર્દોષ માને છે, પરંતુ ઓબીસી સમાજમાંથી આવતા ચૂંટાયેલા વડા પ્રધાન મોદીને 'આતંકવાદી' અને સનાતનને 'બીમારી' ગણાવે છે. ભાજપે આને કોંગ્રેસની 'નફરતની દુકાન' ગણાવીને જનતા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.