Tue Apr 21 2026

Logo

આજે નેશનલ સિવિલ સર્વિસીસ ડે: વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું છે મહત્વ અને ઇતિહાસ

2026-04-21 14:58:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: આજે નેશનલ સિવિલ સર્વિસીસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વહીવટમાં સિવિલ સર્વિસના કર્મચારીઓના અત્યંત મહત્વપૂર્ણ યોગદાન બિરદાવવા માટે દર વર્ષે 21 એપ્રિલના રોજ નેશનલ સિવિલ સર્વિસીસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના શાસન અને પ્રગતિ પ્રત્યે સિવિલ સર્વન્ટ્સ સમર્પણ અને પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.

સિવિલ સર્વન્ટ્સના સતત કાર્યને કારણે જ દેશનું વહીવટી તંત્ર સુચારુ રીતે ચાલે છે, આ દિવસ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડે છે.

વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી:
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને નેશનલ સિવિલ સર્વિસીસ ડેની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, "સિવિલ સર્વિસીસ ડે પર તમામ સિવિલ સર્વિસીસ કર્મચારીઓને શુભેચ્છાઓ. આ દિવસ સુશાસન અને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવાના સંકલ્પને વધુ મજબૂત કરવાનો પ્રસંગ છે. પાયાના સ્તરથી માંડીને નીતિ નિર્માણ સુધી, સિવિલ સર્વન્ટ્સના પ્રયાસો અસંખ્ય જીવનને સ્પર્શે છે અને ભારતની પ્રગતિમાં ફાળો આપે છે.”

આ વર્ષે ઉજવણીની શરૂઆત થઇ:
ભારત સરકારે વર્ષ 2006થી નેશનલ સિવિલ સર્વિસીસ ડે ઉજવવાની શરૂઆત કરી હતી. 21 એપ્રિલ 2006ના રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં નેશનલ સિવિલ સર્વિસીસ ડે ઉજવણી કરવામાં આવી હતી. 21 એપ્રિલ એટલા માટે પસંદ કરવામાં આવી કેમ કે, 21 એપ્રિલ 1947 માં ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સિવલ સર્વિસના નવનિયુક્ત અધિકારીઓને સંબોધિત કર્યા હતા અને તેમને "ભારતનું સ્ટીલ ફ્રેમ" ગણાવ્યું હતું.

આ દિવસે પ્રાઈમ મીનીસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર કરવામાં આવે છે, જાહેર સેવામાં તેમના અસાધારણ યોગદાન બદલ ઉત્કૃષ્ટ સનદી કર્મચારીઓ આ એવોર્ડ આપવામાં આવે છે.

આ સર્વિસ કેમ મહત્વની?
ભારતની સિવિલ સર્વિસીઝમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ(IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS), અને વિવિધ સર્વિસનો માવેશ થાય છે. આ સર્વિસીઝના અધિકારીઓ સરકારી નીતિઓના અસરકારક અમલીકરણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મહત્વપૂર્ણ છે.