Tue Apr 21 2026

Logo

ક્યાં છુપાયા છે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર? ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ પણ બંને લાપતા!

2026-04-21 15:41:21
Author: Savan Zalariya
Article Image

આવતી કાલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું એક વર્ષ પૂર્ણ થશે. 22 એપ્રિલ, 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાન જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) માં  આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, હજુ પણ પાકિસ્તાનના આતંકવાદીઓમાં ડરનો માહોલ છે.

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતીય દળોના હુમલામાં કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના આતંકવાદી સામ્રાજ્યનો નાશ થયોહતો. ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ પણ બંને થરથર કાંપી રહ્યા છે, ઓપરેશન સિંદૂર બાદ બંને જાહેરમાં દેખાયા નથી.

મસૂદ અઝહર ક્યાં ગયો?
અહેવાલો મુજબ જ્યારે પહેલગામ પર હુમલો થયો ત્યારે મસૂદ અઝહર બહાવલપુરમાં હતો. ઓપરેશન સિંદૂર શરુ થયા બાદ તે 1,200 કિમી ગિલગિટ-બાલ્ટિસ્તાન ભાગી ગયો હતો. અહેવાલ મુજબ તે જુલાઈ 2025માં સ્કાર્ડુ વિસ્તારમાં લગભગ 20 દિવસ રહ્યો, ત્યાર બાદ તેનો કોઈ પતો નથી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન, બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જુલાઈ 2025માં જણાવ્યું હતું કે મસૂદ  અઝહર પાકિસ્તાનમાં નથી અને કદાચ અફઘાનિસ્તાન ચાલ્યો ગયો છે. 

હાફિઝ સઈદ ક્યા ગયો?
અગાઉ હાફિઝ સઈદ લાહોરના જુના વિસ્તારના જોહર ટાઉનમાં મળતો હતો, ત્યાંના તેના ઘરને સબ-જેલ બનવામાં આવ્યું છે. આતંકવાદી પ્રવૃતિઓ માટે ભંડોળ અંગેના કેસમાં હાફિઝ સઈદ 2019 થી 46 વર્ષ માટે જેલની સજા ભોગવી રહ્યો છે, પરંતુ ફેબ્રુઆરી 2025 સુધીમાં તે 20 થી વધુ વખત જાહેરમાં જોવા મળ્યો છે. અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂર બાદ તે ઇસ્લામાબાદ ચાલ્યો ગયો. ત્યાર બાદ તેના કોઈ ખબર મળ્યા નથી.

બંનેને ISI મદદ કરી રહ્યું છે:
ગુપ્તચર અહેવાલો અનુસાર, બંને આતંકવાદી આગેવાનોને રાવલપિંડી, કરાચી અને લાહોર વચ્ચે ઘણી વખત ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની ગુપ્તચર ISI તેમને રક્ષણ આપી રહી છે અને અલગ અલગ સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. 

ભારતના સશસ્ત્ર દળોનાં વડા અવારનવાર કહી ચુક્યા છે કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, ભારતના ડરને કારણે બંને છુપાયેલા રહે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ બંને પર નજીકથી નજર રાખી રહી છે.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ:
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. સૌથી મહત્વપૂર્ણ ટાર્ગેટ્સ મુરીદકેમાં હતાં, આ વિસ્તાર લાહોરથી લગભગ 40 કિમી દૂર આવેલો છે. મુરીદકેને લશ્કર-એ-તૈયબા (LeT) નું મુખ્ય મથક માનવામાં આવતું હતું, અહીં સંગઠનનો 200 એકરમાં ફેલાયેલો કેમ્પ હતો. આ કેમ્પમાં આતંકવાદીઓને તાલીમ પણ આપવામાં આવતી હતી. 

ઓપરેશન સિંદુરનો બીજો મુખ્ય ટાર્ગેટ બહાવલપુર હતો, જે લાહોરથી લગભગ 400 કિમી દૂર આવેલો વિસ્તાર છે, અ પ્રદેશને જૈશ-એ-મોહમ્મદ (JeM) નો ગઢ માનવામાં આવે છે, જ્યાં કુખ્યાત જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ કેમ્પ આવેલો છે. ભારતે PoKમાં કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ઠેકાણામો નાશ કર્યો હતો.

ભારતીય સશસ્ત્ર દળોએ એક મિસાઈલ વડે મસૂદ અઝહર સાથે જોડાયેલા એક મદરેસાને નિશાન બનાવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા.