Tue Apr 21 2026

Logo

140 વર્ષનો રેકોર્ડ તૂટશે! 'સુપર અલ નીનો' ભારત સહિત દુનિયામાં લાવી શકે 'તબાહી'

2026-04-21 15:42:44
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી પાર થઈ રહ્યો છે, જ્યારે એની પાછળનું કારણ 'અલ નીનો' છે. 1877 બાદ પ્રથમ વખત અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અલ નીનો બની રહ્યું છે. તે સમયે સમગ્ર વિશ્વમાં 'હીટવેવ', દુકાળ અને મહામારી ફેલાઈ હતી, જેનાથી વિશ્વની 4 ટકા વસ્તી નાશ પામી હતી. હવે વૈજ્ઞાનિકોએ 2026-27માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે એવી ચેતવણી આપી હતી.

આ વર્ષે ભૂકંપ, યુદ્ધ પછી અલ નીનોનું જોખમ ભારત સહિત દુનિયાભરના દેશો માટે એલાર્મ છે. હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, આ લહેર અલ નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ઉકળાટ વધવાથી પશ્ચિમના દેશોમાં ગરમીનું મોજું તીવ્ર બની રહ્યું છે. આ પેટર્ન 140 વર્ષમાં સૌથી વધુ શક્તિશાળી હોવાનો વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે. 

હાલ પ્રશાંત મહાસાગરમાં 8046 કિમી સુધી ગરમીની લહેર ફેલાયેલી છે. જે માઈક્રોનેશિયાથી શરૂ થઈને કેલિફોર્નિયા સુધી પહોંચી ચુકી છે.  કેલિફોર્નિયા નજીક તેને 'ધ બ્લૉબ' કહેવાય છે. અહીંયા દરિયાઈ સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે છે. NOAAના રિપોર્ટ મુજબ, આ લેવલ ખૂબ ખતરનાક છે. જે અલ નીનોને ખૂબ મજબૂત કરી રહી છે. તેનાથી સમુદ્રી જીવ જંતુઓ પર અસર પડી રહી છે. હવામાનની પેટર્ન સંપૂર્ણ બદલાઈ રહી છે. ગરમીની લહેર અલ નીનોને વધુ વેગ આપશે, જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન હવામાન અનિશ્ચિત રહેશે.

1877-78નું અલ નીનો ઈતિહાસનું સૌથી વિનાશકારી વર્ષ હતું, તેનાથી ગરમીની લહેરો, દુકાળ અને પાક નાશ પામવાથી લાખો લોકોનો જીવ ગયા હતા. 2026નું વર્ષ અલ નીનોથી પણ વધુ શક્તિશાળી હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન છે.  એપ્રિલ 2026ના હવામાન મૉડલ્સમાં વૈજ્ઞાનિક હાર્ટ પલ્પિટેશંસ અનુભવી રહ્યા છે. જોકે આ સુપર અલ નીનો બન્યું તો 2027માં વૈશ્વિક તાપમાન નવો રેકોર્ડ તોડી શકે છે. જળવાયુ પરિવર્તનની સાથે તે વધુ ખતરનાક બની રહ્યું છે.

ક્યાં થશે સૌથી વધુ અસર

અલ નીનોની અસર સમગ્ર વિશ્વ પર પડશે. ઑસ્ટ્રેલિયા, દક્ષિણ અને મધ્ય આફ્રિકા, ભારત તથા અમેઝોનના જંગલોમાં દુકાળ અને ભયંકર ગરમી પડશે. આગ લાગવાનો ખતરો રહેશે. દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ અને પૂર આવી શકે છે. ઉત્તર અમેરિકામાં ગરમી તાંડવ મચાવી શકે છે. એશિયા અને આફ્રિકાના અનેક દેશોમાં પાક પ્રભાવિત થશે.  દરિયાઈ ગરમીની લહેરથી વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવના વધશે. હવામાનની પેટર્નમાં બદલાવ જોવા મળશે.

ભારત પર શું થશે અસર

ભારત પર આ મેગા અલ નીનોની સૌથી વધારે અસર થશે. વૈજ્ઞાનિકો અનુસાર 2026માં ગરમીનું પ્રમાણ સામાન્યથી વધારે રહેશે. દિલ્હી, એનસીઆર, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આ વર્ષે એપ્રિલમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. 
અલ નીનોના કારણે પ્રી મોન્સૂન ગરમી વધુ અકળાવશે. જૂન-સપ્ટેમ્બરમાં વરસાદની અછત સર્જાઈ શકે છે, જેના કારણે દુકાળનો ખતરો રહેશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખેતી પ્રભાવિત થશે, ઉત્પાન ઘટશે. ગરમીથી તાપમાન ચોક્કસ વધશે અને લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે. સરકાર અને લોકો બંને આ માટે તૈયાર રહેવું પડશે. 

પાણીની બચત, દુકાળ મેનેજમેન્ટ અને પાક વીમા પર ભાર આપવો પડશે. ખેડૂતોને ઓછો વરસાદ સહન કરી શકે તેવા પાક વાવવાની સલાહ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકો સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જો અલ નીનો સુપર લેવલનું બનશે તો 2027 સુધી તેની અસર રહી શકે છે.

શું છે અલ નીનો?

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે હવામાન પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે. ભારતના ચોમાસા પર અલ નીનોની અવળી અસર થાય છે. અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હટીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.
એક અહેવાલ પ્રમાણે અલ નીનોની સ્થિતિ હોય છે ત્યારે ભારતમાં દુકાળ પડવાની 60 ટકા જેટલી સંભાવના રહે છે, જ્યારે 30 ટકા ઓછો વરસાદ તથા 10 ટકા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે.