- શોભિત દેસાઈ
વાત એક જ ફરક પાડી ગઈ. કહેવાતા મહાન આર્યાવર્તને વેચતા આવડ્યું જ નહીં. સૌથી પહેલાં તો દેશની માટીનું રક્ષણ વેચતા ના આવડ્યું, અને એ ય કોને? એજ માટીનાં ‘સપૂતો’ને, નહીં તો પોતાના જ ભાઈઓ પર ડુક્કર ડાયરના કહેવાથી કોણ ગોળી ચલાવે ? પગાર જાય જ્યાં જવું હોય ત્યાં... અરે પ્રજા તો ઠીક, કનોજનો રાજા જયચંદ કેવો ગદ્દાર!!! મોહમ્મદ ઘોરીને ભારત ખાસ બોલાવ્યો રાજા પૃથ્વીરાજ ચૌહાણને પછાડવા... લબાડ અંગ્રેજોના કેટલા ભારતીય ચમચા-ખાંધિયા-એંઠું ખાવાવાળા ગણાવું જે હજાર બેહજાર પાંચ હજારે 35 કરોડ લોકોનો, સમૃદ્ધિથી છલોછલ ભારત દેશ 200 વર્ષ માટે હલકટોને હવાલે કરી દીધો... બિચારી બાપડી મૂંગી ધરતીમા વીનવતી રહી અને એના સંતાનો એનાં નામ પર કાળપના થપેડા લગાડતા રહ્યા. આજે જરા એવા મૂડમાં છું હું કે જે વિષે કંઈ જ થઈ શકે એમ નથી, એ પર લવારી આચરું છું કારણ, MORHER's DAY નામનું ગતકડું આ જ દુષ્ટોની ઉપજ છે. જેના ત્રણસો પાંસઠે ત્રણસો પાંસઠ દિવસ અને સોએ સો વરસ છે એ મા ને તમે એક દિવસ પૂરતી કરી નાંખી નિર્લજ્જો???
હૈયાવરાળને ટાઢી પાડું અને મારી ગુજરાતી મા એ પોતાના કેટલાક સંતાનોને આ વિષય પર કશાક સર્જનથી પરિપ્લાવિત કર્યાં છે એ શબ્દના અલકમલકમાં તમને લઈ જઉં...
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજડે કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
દામોદર ખુશાલદાસ બોટાદકર
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
રવીન્દ્રનાથ ટાગોર
અનુવાદ - ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
મહોબતના દુ:ખની આ અંતિમ હદ છે
મને મારી પ્રેમાળ મા યાદ આવી
મરીઝ
સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
ગૌરાંગ ઠાકર
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર
આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
ભાવિન ગોપાણી
હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મા મારી પાલવ એટલો દમદાર રાખે છે.
વિપુલ માંગરોલિયા
ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
ભરત ભટ્ટ ‘પવન’
એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
મધુસૂદન પટેલ
બા ઊભી ના રહી શકે ટેકા વગર
તોય ઘરને કઈ રીતે ટેકો કર્યો!
ભાવેશ ભટ્ટ
અને છેલ્લે
વધ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ખૂટ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
નવું પધારે કોઈ ગેબથી તો દેખીને
હસ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ઓવારણા હો નજર કે કપાળનું ટપકું
રમ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ફગાવી વ્યાકરણો, કાલી ભાષામાં વાતો-
કર્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
અમસ્તુ ખાઉં હું અડબડિયું તો ય મોટેથી
પુછ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
શરીર રૂપે હો હાજર કે હોય ફોટામાં
વહ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
પૂજામાં બેસી અમારી ભલામણો કરતાં
નમ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ગઈ છે મા છતાં ટેવાયો ક્યાં હજી શોભિત ?!
કહ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
શોભિત દેસાઈ
આજે આટલું જ