Sun May 31 2026

Logo

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણી ફાઈનલ, જાણો કોના ફાળે કેટલી બેઠકો આવી?

2026-05-31 19:25:36
Author: Mumbai Smachar Team
Article Image

મહાયુતિની 11-4-2 ની ફોર્મ્યુલા નક્કી: ભાજપ 11, શિંદે જૂથ 4 અને અજિત પવાર જૂથ 2 બેઠકો પર ચૂંટણી લડશે

મુંબઈઃ રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય મતવિસ્તારોમાંથી વિધાન પરિષદની 17 બેઠકો માટે મહાયુતિની બેઠકોની વહેંચણી આખરે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત દરમિયાન ઘણા દિવસોના દાવાઓ અને પ્રતિ-દાવાઓ આંતરિક મતભેદો અને વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠકો પછી, ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. સોમવારે એટલે આવતીકાલે વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો દાખલ કરવાનો છેલ્લો દિવસ હોવાથી મહાયુતિના નેતાઓએ આજે અંતિમ મંજૂરી આપી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાન પરિષદની ચૂંટણી માટે મહાયુતિની અંતિમ ફોર્મ્યુલા 11-4-2 નક્કી કરવામાં આવી  છે. તે મુજબ, સૌથી વધુ 11 બેઠકો  ભાજપે રાખી છે. જ્યારે શિવસેના શિંદે જૂથને 4 બેઠકો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથને 2 બેઠકો ફાળવવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, મ્યુનિસિપલ પરિષદ અને જિલ્લા પરિષદના વર્તમાન આંકડા મુજબ, રાજ્યમાં ભાજપ પાસે સૌથી વધુ બેઠકો છે, તેથી શરૂઆતમાં ભાજપ પોતે 14 બેઠકો પર ચૂંટણી લડવા માટે આગ્રહી હતો. જોકે, મહાયુતિમાં ભંગાણ અટકાવવા અને સાથી પક્ષોને સાથે રાખીને મહાવિકાસ આઘાડીને રોકવા માટે, ભાજપે 11 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો.

ભાજપ તેના ખાતે આવેલી 11 બેઠકોમાં નાગપુર, અહિલ્યાનગર (અહમદનગર), ધારાશિવ, જલગાંવ, સોલાપુર, લાતુર, નાંદેડ, અમરાવતી, વર્ધા-ગઢચિરોલી-ચંદ્રપુર, ભંડારા-ગોંદિયા અને સતારા-સાંગલી મતવિસ્તારનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠકો જીતીને વિધાન પરિષદમાં તેની સંખ્યાત્મક તાકાત મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શરૂઆતમાં પાર્ટીની હાજરી અને તાકાત વધારવા માટે વિધાન પરિષદમાં ઓછામાં ઓછી 7 બેઠકોની માંગણી કરી હતી. આ માટે તેઓ સીધા દિલ્હી પહોંચ્યા હતા અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. આ વાટાઘાટો બાદ, શિવસેનાને આખરે 4 બેઠકો મળી છે. 

શિવસેનાને ફાળવવામાં આવેલી બેઠકોમાં મુખ્યત્વે થાણે (એકનાથ શિંદેનો ગઢ), નાશિક, પરભણી-હિંગોલી અને યવતમાળ મતવિસ્તારનો સમાવેશ થાય છે. થાણે બેઠક જાળવી રાખવી એ શિવસેના માટે પ્રતિષ્ઠાનો વિષય છે.

અજિત પવારની એનસીપી શરૂઆતમાં ઓછામાં ઓછી 3 બેઠકો ઇચ્છતી હતી. પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણમાં પાર્ટીની તાકાતને ધ્યાનમાં લેતા, તેમણે આ બેઠકો પર દાવો કર્યો હતો. જોકે, એનસીપીને આખરે 2 બેઠકો પુણે અને કોંકણ (રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગ) થી સંતોષ માનવો પડ્યો છે. 

પુણે અજિત પવારનો રાજકીય ગઢ હોવાથી, આ બેઠક એનસીપી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યારે કોંકણમાં તે  ભાજપ અને શિવસેનાની મદદથી આ બેઠક જીતવાની રણનીતિ બનાવી રહી છે.