Sun May 31 2026

Logo

લાડકી બહિન યોજના: 80 લાખ મહિલાના નામ યાદીમાંથી કપાયા, જાણો શું છે કારણ

2026-05-31 19:32:01
Author: Mumbai Samachar Team
Article Image

ઈ-કેવાયસી નહીં કરાવનાર અને દસ્તાવેજોમાં વિસંગતતા ધરાવતા લાભાર્થીઓ પર સરકારની મોટી કાર્યવાહી

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી અને વિધાનસભા ચૂંટણીમાં ગેમ-ચેન્જર સાબિત થયેલી 'મુખ્યમંત્રી માજી  લાડકી  બહિન યોજના' અંગે એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે. 
રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ યોજનામાંથી 80 લાખ મહિલાઓના નામ પર કાતર ફરી વળી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે આ યોજનાનો લાભ લેતી મહિલાઓ માટે ઈ-કેવાયસી કરાવવાની સૂચના આપી હતી.

ઈ-કેવાયસી ઝુંબેશ સત્તાવાર રીતે 30 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ. પ્રક્રિયા અધૂરી રહી હોવાથી ઘણી મહિલાઓ સમયમર્યાદા વધારવાની વિનંતી કરી રહી હતી. જોકે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2025 થી સરકારે ઘણી વખત સમયમર્યાદા લંબાવી હતી, તેથી હવે વધુ સમય આપવામાં આવશે નહીં.

અંતિમ તારીખ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ ન કરનાર, બેંક ખાતા અપડેટ ન કરનાર, અરજી કરતી વખતે અધૂરા કે બોગસ દસ્તાવેજો રજૂ કરનારાઓના નામ પણ રદ કરવામાં આવ્યા હતા. યાદીમાંથી જે 80 લાખ નામો દૂર કરવામાં આવ્યા છે, તેમના આધાર કાર્ડ, બેંક ખાતા અને અરજીમાં વ્યક્તિગત માહિતીમાં વિસંગતતા હોવાનું જાણવા મળ્યું હતું. આ કસરતનો હેતુ બોગસ નામો દૂર કરીને યોજનામાં પારદર્શિતા લાવવાનો અને સરકારી તિજોરી પરનો ભાર હળવો કરવાનો હતો.

કેટલીક મહિલાઓએ બળાપો પણ વ્યક્ત કર્યો હતો. પુણેની એક પીડિત મહિલા લાભાર્થીએ જણાવ્યું હતું કે, "બધા દસ્તાવેજો પૂરા પાડવા છતાં, સિસ્ટમની ભૂલને કારણે મારું નામ બાકાત રાખવામાં આવ્યું હતું, જેના કારણે મારા ઘરના ખર્ચાઓ પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે." 

દરમિયાન, ઘણી મહિલાઓ એવી ગેરસમજમાં પણ હતી કે સરકારે ભૂતકાળમાં ઘણી વખત સમયમર્યાદા લંબાવી હતી, જે હજુ પણ લંબાવશે, એમ આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું.