માંડવીમાં ૩૦-૪૦ પેશકદમીકારોને નોટિસ, ભચાઉ-અંજારમાં તહેવારો બાદ કાર્યવાહી
ભુજ: નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર માર્ગો અને ફૂટપાથો પરથી ગેરકાયદે દબાણો દૂર કરી રાહદારીઓ માટે રસ્તા ખુલ્લા કરવાના આદેશ બાદ જિલ્લા મથક ભુજ સહિત કચ્છ જિલ્લાના અન્ય શહેરોમાં પણ તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે.
માંડવીમાં નગરપાલિકા દ્વારા ગૌરવપથ અને તળાવ ઓગન સહિતના વિસ્તારોમાંથી ૧૫ જેટલાં દબાણો દૂર કરાયા બાદ વધુ ૩૦ થી ૪૦ નડતરરૂપ અડિંગા જમાવી બેઠેલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી છે. નગરપાલિકાના હેડક્લાર્ક મનજી પરમારના જણાવ્યા અનુસાર, આગામી તહેવારો દરમિયાન અવરોધરૂપ બનતા દબાણો વગર નોટિસે હટાવી લેવાશે. મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા અને ચાંદનીબેન જોશીની વિગતો મુજબ, તાલુકામાં ઓળખી કઢાયેલા ૯૪ પૈકી ૫૩ દબાણો દૂર કરી દેવાયા છે. વિન્ડફાર્મ રોડ પર અનંતદ્વાર સુધીનો વિસ્તાર પાલિકા અને ત્યારબાદનો બીચ સુધીનો વિસ્તાર પ્રવાસન વિભાગ હસ્તક હોવાથી બંને તંત્રો દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી તરફ, ભચાઉ શહેરમાં શાક માર્કેટ અને મુખ્ય બજારોની ફૂટપાથો પર વેપારીઓના બોર્ડ અને ગેરકાયદે બાંધકામો ખડકાઈ જતાં ટ્રાફિક સમસ્યા વકરી છે. ભચાઉ પાલિકાના ચીફ ઓફિસર ઝાલાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ ફૂટપાથો ખુલ્લી કરાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરાશે. તેવી જ રીતે ઐતિહાસિક અંજાર શહેરની મુખ્ય બજારો અને ૧૨ મીટર રોડ પર ફૂટપાથ રોકીને ઉભા રહેતા ધંધાર્થીઓ સામે પણ પાલિકા તંત્ર ટૂંક સમયમાં દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરશે.
દરમિયાન, ભુજ શહેરમાં અગાઉ હટાવવામાં આવેલા કેટલાક વિસ્તારોમાં ધીરે-ધીરે નાના ધંધાર્થીઓ દ્વારા ફરી પેશકદમી શરૂ થતાં સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોની માગ છે કે સરપટ ગેટથી ભીડ માર્ગ સહિતના અતિ ધિચ વિસ્તારોમાં જવાબદાર અધિકારીઓની હાજરીમાં મેગા ડ્રાઈવ યોજી ભુજને કાયમી ધોરણે ટ્રાફિક અને દબાણમુક્ત કરવામાં આવે તથા નાના વેપારીઓને સત્વરે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.
ઉત્સવ વૈદ્ય