Sun Oct 11 2026

Logo

કચ્છમાં આસો નવરાત્રિનો ભક્તિમય પ્રારંભ; માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન, બજારોમાં ગરબા ખરીદી માટે ભીડ

2026-10-11 14:01:00
Author: Vimal Prajapati
કચ્છમાં આસો નવરાત્રિનો ભક્તિમય પ્રારંભ; માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન, બજારોમાં ગરબા ખરીદી માટે ભીડ

ભુજ: આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ આસો નવરાત્રિનો આજથી રણપ્રદેશ કચ્છમાં પરંપરાગત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તેમજ ભુજ સ્થિત ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર ઘટસ્થાપન સંપન્ન થતાં જ સમગ્ર પંથકમાં પવિત્ર અને ઉત્સાહસભર માહોલ સર્જાયો છે.

રાજવીકાળની પરંપરા મુજબ ઘટસ્થાપન

ભુજના ઐતિહાસિક માં આશાપુરા મંદિર ખાતે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજવીકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ઘટસ્થાપનની ધાર્મિક વિધિ યોજાઈ હતી. વેદોક્ત મંત્રોચ્ચાર અને માતાજીના જયઘોષ વચ્ચે યોજાયેલી આ વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. ઘટસ્થાપન પૂર્ણ થતાં જ સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઘરોમાં અખંડ જ્યોત અને ગરબાની સ્થાપના

નવરાત્રિના પ્રથમ નોરતે ઘરોમાં ઘટસ્થાપન કરવા અને અખંડ દીપ પ્રગટાવવાની પરંપરા હોવાથી વહેલી સવારથી જ ભુજના બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ કુંભારવાડા તથા દરિયાસ્થાન અને જૂની શાકમાર્કેટ આસપાસના વિસ્તારોમાંથી માટીના ગરબા, પૂજા સામગ્રી અને માતાજીના શ્રૃંગારની ખરીદી માટે ભીડ જમાવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસથી ઘરોમાં ઘટસ્થાપન અને અખંડ જ્યોત પ્રગટાવવાની પરંપરાને પગલે ભુજના બજારોમાં વહેલી સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી હતી. 

શ્રદ્ધાળુઓએ કુંભારવાડા અને બજારોમાંથી શ્રદ્ધાભેર માટીના ગરબાની ખરીદી કરી હતી. ખાસ કરીને ભુજની જૂની શાકમાર્કેટ તેમજ દરિયાસ્થાન આસપાસના વિસ્તારોમાં ગરબા અને પૂજા-સામગ્રીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેને પગલે બજારોમાં તહેવારનો અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો.

(ઉત્સવ વૈદ્ય)