(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ તાજેતરમાં સંપન્ન થયેલા ભવનાથના મેળામાં છેલ્લા દિવસે નવો વિવાદ ઊભો થયો હતો. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી મારી હતી. શિવરાત્રીના દિવસે કીર્તિએ ભગવા વસ્ત્રો સાથે ડૂબકી લગાવી હતી. તેની આ હરકતે સાધુ સંતો અને પરંપરાઓમાં માનતા લોકોમાં રોષ જગાવ્યો હતો. આ ઘટના દરમિયાન કીર્તિએ એક મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી, હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ વિરુ્દ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
કીર્તિ પર નોંધાયા છે 10 ગુના
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 10 ગુનો નોંધાયા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તે બહાર આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.એક સમયે હતી ફેશન ડિઝાઈનર
કીર્તિ પટેલ સોશ્યલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે. કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી ત્યારબાદ તેમણે કોમેડી વીડિયો બનાવી અને યૂટ્યુબ અને ટીકટોકમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી. કીર્તિ પટેલ ખૂબ જ ટીકટોકમાં વાયરલ થયા બાદ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર બની ગઈ હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે.
ખજૂરભાઈ સાથે પણ લઈ ચુકી છે પંગો
કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલા કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.