તિરુવનંતપુરમ: કેરલમમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ ગઠબંધનને વિજય મળ્યો છે. તેમજ કોંગ્રેસના નેતા વી.ડી. સતીશને કેરળના નવા મુખ્યમંત્રી બન્યા છે. જેની બાદ તેમના અનેક નિર્ણયો લીધા છે. જેમાં સરકારે રાજ્યમાં સેમી હાઇ સ્પીડ પેસેન્જર રેલવે દોડવવાના સિલ્વરલાઈન પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.
સિલ્વરલાઈન પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ વિરુદ્ધના કેસ પરત ખેંચાશે
આ અંગે તિરુવનંતપુરમ આયોજિત પત્રકાર પરિષદમાં સીએમ વી.ડી. સતીશને જણાવ્યું કે સરકારે સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંબંધિત સૂચનાઓ પરત લેવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે રાજ્ય સરકાર સિલ્વરલાઈન પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ સામે દાખલ કરાયેલા ફોજદારી કેસ પાછા ખેંચવાની ભલામણ કરશે. જોકે, આ કોર્ટના નિર્ણયને આધીન રહેશે.
એલડીએફ સરકારની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના હતી
ઉલ્લેખનીય છે કે, સિલ્વરલાઈન પ્રોજેક્ટ પાછલી એલડીએફ સરકારની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના હતી. આ પ્રોજેક્ટ વર્ષ 2019 માં શરૂ કરવામાં આવ્યો હતો. સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કેરળના ઉત્તર અને દક્ષિણ પ્રદેશોને સેમી-હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનો હતો. આ પ્રોજેક્ટ હેઠળ તિરુવનંતપુરમને કાસરગોડ જિલ્લા સાથે જોડવાનું હતું, જેનાથી ઉત્તરના લોકો સરળતાથી તિરુવનંતપુરમ પહોંચી શકશે અને દક્ષિણ કેરળના રહેવાસીઓ સરળતાથી ઉત્તરીય જિલ્લાઓ સુધી પહોંચી શકશે.