કાનપુર: દેશભરના ચાલી રહેલી IPL ક્રિકેટ મેચના ઉત્સાહ વચ્ચે કાનપુર પોલીસે ત્રણ કરોડ રૂપિયાના ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંયુક્ત ઓપરેશનમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી 3 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે.
કારમાંથી ઓનલાઈન સટ્ટાબાજીનું રેકેટ
ઉત્તર પ્રદેશની કાનપુર પોલીસને માહિતી મળી હતી કે, ગોવિંદ નગર પુલ નીચે પાર્ક કરેલી સફેદ કારમાં બેઠેલા બે યુવાનો IPL મેચો પર ઓનલાઈન સટ્ટાબાજીનું રેકેટ ચલાવી રહ્યા છે. જેની બાદ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો અને કારમાંથી કાર્તિક લખવાણી અને રાજકુમાર ને પકડી લીધા હતા. તેમજ ત્યાર બાદની તપાસ દરમિયાન તેમના કબજામાંથી સટ્ટાબાજીના ઓપરેશનને લગતા મુખ્ય પુરાવા મળી આવ્યા હતા.
ગુજરાતના ત્રણ બુકી પકડાયા
જ્યારે પોલીસની કડક પૂછપરછ બાદ, આરોપીએ કિદવાઈ નગરમાં સ્થિત એક ભાડાના મકાનનો ખુલાસો કર્યો હતો. જ્યાંથી આ આખું નેટવર્ક ચલાવાતું હતું. ત્યારબાદ, પોલીસે તરત જ બીજા સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાં ત્રણ વધુ બુકીઓ કલ્પેશ, રવિ નાઈ અને વિષ્ણુની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા આરોપીઓ ગુજરાતના રહેવાસી છે અને શહેરમાં રહીને આ ગેરકાયદે રેકેટ ચલાવી રહ્યા હતા.
ઓનલાઈન એપ્સથી સટ્ટાબાજીના આઈડી પૂરા પાડતા
આ દરોડા દરમિયાન પોલીસે માત્ર કરોડોની રોકડ જ નહીં પરંતુ છ મોબાઈલ ફોન, બે મની કાઉન્ટિનગ મશીન, એક કાર અને અન્ય ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા હતા.આ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ઓનલાઈન એપ્સ દ્વારા વ્યક્તિઓને સટ્ટાબાજીના આઈડી પૂરા પાડતા હતા અને શહેરભરમાંથી પૈસા એકઠા કરતા હતા. આ હુમલાનો માસ્ટર માઈન્ડ તેની ઓળખ 'મનીષ ઉર્ફે પ્રોફેસર' તરીકે થઈ છે. જે હાલમાં ફરાર છે. પોલીસની અનેક ટીમો તેની શોધમાં સતત દરોડા પાડી રહી છે.