Fri Sep 04 2026

Logo

પહેલાના નેતાઓ CMને ધ્રુજાવતા, આજના નેતાઓ...: ઈસુદાન ગઢવીએ કોને યાદ કરી સત્તા પક્ષ પર કર્યાં આકરા પ્રહારો

2026-08-31 18:24:42
Author: Devayat Khatana
પહેલાના નેતાઓ CMને ધ્રુજાવતા, આજના નેતાઓ...: ઈસુદાન ગઢવીએ કોને યાદ કરી સત્તા પક્ષ પર કર્યાં આકરા પ્રહારો

જામ ખંભાળિયા: ગુજરાતમાં ખેંચાઇ રહેલા વરસાદ તો અનેક જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની કફોડી સ્થિતિ બનતી જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે તેઓ આજથી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે અનિશ્ચિત મુદ્દતના 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' શરૂ કર્યા છે, આજે તેનો ત્રીજો દિવસ છે. આજે તેમણે વર્તમાન નેતાઓને આડે હાથ લઈને તેઓને હિંમત કરીને ખેડૂતોના મુદ્દા પર મક્કમતાથી વાત રાખવા હાકલ કરી હતી. 

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા શરૂ કરાયેલા "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ"ના ત્રીજા દિવસે તેમણે વર્તમાન નેતાઓ અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વાત કરી હતી કે દર બુધવારે કેબિનેટથી બેઠક મળે પણ મુખ્યમંત્રી ખેડૂત નથી અને શાસક પક્ષના નેતામાં કોઈ બિલી શકે તેમ નથી. તેમણે કટાક્ષ કર્યો હતો કે તેમની કોઈની જીભ જ નથી ઊપડતી. તેમણે કહ્યું હતું કે કદાચ તેમને ટિકિટ કપાઈ જવાનો ડર હોય છે. 

આ દરમિયાન તેમણે ભૂતકાળના દિગ્ગજ નેતાઓ વર્તમાન ભાજપના સાંસદ પૂનમ માડમમાં પિતા હેમંત માડમ અને દોલતબાપુ જેવા નેતાઓની યાદી કરીને જણાવ્યું હતું કે, પહેલાના સમયના નેતાઓ મુખ્યમંત્રીને ધ્રુજાવી દે તેવા નેતાઓ હતા અને ખેડૂતો અને પ્રજાના પ્રશ્નો નીડરતાપૂર્વક રજૂ કરવાની તાકાત ધરાવતા હતા. આજના નેતાઓ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે નેતાઓમાં આવી તાકાત હોવી જોઈએ કે ખેડૂતો અને પ્રજાના મુદ્દાઓ પર મુખ્યમંત્રીને કહી શકે આમ થવું જ જોઈએ પછી ભલે તે ઉદ્યોગપતિ હોઈ.

ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે જો ચોમાસાની સિઝનમાં જ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો શિયાળામાં સ્થિતિ વધુ કફોડી બનશે અને ખેડૂત પરિવારો સામે મોટું આર્થિક સંકટ ઊભું થશે. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ખેડૂતો તેમના માટે પ્રાણ સમાન છે અને તેઓ કોઈપણ ચૂંટણી કે પદની પરવા કર્યા વિના સતત લડતા રહેશે. સાથોસાથ તેમણે લોકોને પણ પોતાના અધિકારો અને ન્યાય માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ખંભાળિયા ખાતે ઈસુદાને જામખંભાળિયામાં ધામા નાખ્યા છે અને 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' શરૂ કરી દીધા છે. જેમાં સ્થાનિક ખેડૂતો અને આપના નેતાઓ મુલાકાત કરી રહ્યા છે. સ્થાનિક ગામડાઓથી ખેડૂતો અને મહિલાઓની હાજરી જોવા મળી રહી છે, વળી આ સત્યાગ્રહ સ્થળ પર પરંપરાગત કાન ગોપી પણ રજૂ કરવામાં આવી રહી છે. આજે મનોજ સોરઠિયા, બ્રિજદાન સોલંકી, જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમત ખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આવતીકાલે હાજર રહેવાના છે.