થાણે: ડી-કંપનીના હસ્તક અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે કડી ધરાવવા બદલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા જોઇન્ટ ઑપરેશનમાં ધરપકડ કરાયેલા 26 વર્ષના શકમંદના થાણે કોર્ટે પાંચમી જૂન સુધી ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ. એન. ક્ધનુરકરે બુધવારે તપાસ અધિકારીઓને શકમંદ હુઝૈફા ફારુક અહમદ હાશમીને નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ હાજર કરવાના નિર્દેશ આપ્યા હતા.
સુનાવણી દરમિયાન તપાસ અધિકારીઓએ ચેટ્સ અને બૅંકના વ્યવહારોના સ્ક્રીનશોટ્સ રજૂ કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હુઝૈફા પાકિસ્તાન સ્થિત હસ્તક યાવર ખાનના સંપર્કમાં હતો. કોર્ટે ટ્રાન્ઝિટ દરમિયાન તમામ કાયદાકીય સલામતીનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો.
હુઝૈફા હાશમી ડી-કંપનીના સાગરીત મુન્ના ઝીંગાડાનો નિકટવતી સાથીદાર હોવાનું કહેવાય છે. મુન્ના ઝીંગાડા મુંબઈ અંડરવર્લ્ડની મુખ્ય વ્યક્તિ છે, જે કરાચીથી ઓપરેટ કરતો હોવાનું માનવામાં આવે છે.એજન્સીઓ મુંબઈ અંડરવર્લ્ડ અને પાકિસ્તાન આઇએસઆઇ સાઠગાંઠની તપાસ કરી રહી છે અને તાજેતરમાં આ કેસના સંદર્ભમાં મુંબઈમાં અનેક સ્થળોએ સર્ચ તથા દરોડા પાડવામાં આવ્યા હતા. (પીટીઆઇ)