Sat May 30 2026

Logo

કવર સ્ટોરીઃ શું યુદ્ધની અગનજ્વાળા સ્વાસ્થ્ય સેવાને દઝાડશે?

2026-03-25 07:58:23
Author: નિલેશ વાઘેલા
Article Image

નિલેશ વાઘેલા

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ હવે લશ્કરી પરિણામો કે ભૂરાજકીય વ્યૂહરચનાનો મુદ્દો નથી રહ્યો. તે હવે ઝડપથી ગ્લોબલ હેલ્થકેર સેક્ટરમાં કટોકટી સર્જે એવા ભણકારા વાગી રહ્યા છે. યુદ્ધની શરૂઆત બોમ્બમારા, મિસાઇલોને કારણે જાનહાનિથી થઇ હતી, પરંતુ હવે તેની લહેરની આડઅસર ઘર સુધી પહોંચી છે અને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચવાની શક્યતા છે. માત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં જ નહીં પરંતુ અનેક દેશની હોસ્પિટલ મુશ્કેલીમાં ઘેરાઇ ગઇ છે. જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ રહી છે, ત્યારે બાકીનું વિશ્વ ઠપ્પ થયેલી મેડિકલ સપ્લાઇ ચેઇનના વિક્ષેપ સાથે ઝઝુમી રહ્યું છે. 

વર્તમાન સમયમાં ચાલુ યુદ્ધ દરમિયાન આરોગ્યસંભાળ સુવિધાઓ કોલેટરલ નુકસાનનું એક સ્વરૂપ બની ગઇ હોય તેવું લાગે છે. વિડંબના એ છે કે હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ દર્દીઓ માટે સલામત જગ્યાઓ હોવા જોઈએ; જો કે, એક યા બીજી રીતે, તેમના પર હુમલો થઈ રહ્યો છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં, હોસ્પિટલોને લશ્કરી ઝોન અને બેઝમાં રૂપાંતરિત કરવામાં આવી છે; અન્યત્ર, આવશ્યક સેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે ફક્ત થોડી સુવિધાઓ કાર્યરત રહી છે.

યુદ્ધ દરમિયાન કઈ આરોગ્યસંભાળ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે?

ચાલુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ઓછા જાણીતા, છતાં અત્યંત ગંભીર પરિણામો હવે ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રના એક મોટા હિસ્સા એવા એમઆરઆઇ સર્વિસીસ, કેન્સર ડિટેક્શન અને ન્યુરોલોજિકલ નિદાન વિક્ષેપિત થવાનો ભય છે. અહેવાલો અનુસાર, મધ્ય પૂર્વમાં વિક્ષેપોને કારણે વૈશ્ર્વિક સ્તરે સર્જાયેલી હિલીયમની અછત, એમઆરઆઇ સપ્લાય ચેઇન પર દબાણ લાવી શકે છે, જેનાથી સ્કેન મોંઘા થઈ શકે છે અને નિદાનમાં વિલંબ થઈ શકે છે. ગભરાટનું કોઈ તાત્કાલિક કારણ ન હોવા છતાં, નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો સંઘર્ષ લાંબો સમય ચાલુ રહેશે, તો તબીબી નિદાન પર અસર ટૂંક સમયમાં નોંધપાત્ર બની શકે છે. 

હિલીયમની અછત: યુદ્ધનું એક મહત્ત્વપૂર્ણ નકારાત્મક પરિણામ હિલીયમની અછત છે. વિશ્વમાં ઉત્પાદિત હિલીયમના પુરવઠામાંથી લગભઘ ત્રીજા ભાગ જેટલું ઉત્પાદન કતાર બનાવે છે. ન્યુરોલોજીકલ નિદાન, બાયોપ્સી અને એમઆરઆઇ સેવાઓ માટે હિલીયમ જરૂરી છે. ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્રને પણ આ બાબતે ફટકો પડ્યો છે અને આગળ જતાં તેનો ખર્ચ બમણો થતાં અથવા સેવાઓ બંધ થવાની પૂરી શક્યતા છે. 

પાવર આઉટેજ: બીજી સંભવિત ગૂંચવણ જે ઊભી થઈ શકે છે તે છે પાવર આઉટેજ. હોસ્પિટલ સેવાઓની વાત કરીએ તો, વીજળી ગુલ થઈ જવી જીવલેણ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે દર્દી વેન્ટિલેટર જેવા જીવનરક્ષક ઉપકરણો પર નિર્ભર હોય. આવી સ્થિતિમાં, મૂળભૂત આરોગ્યસંભાળ પણ અપ્રાપ્ય બની શકે છે.

દવાની અછત: દવાની અછત એ ચાલુ યુદ્ધનું બીજું એક નેગેટિવ પરિણામ છે. આમાં સપ્લાય ચેઇનમાં વિક્ષેપો અને કેન્સરની દવાઓ, ડાયાલિસિસ પુરવઠો, સર્જિકલ સાધનો, એનેસ્થેસિયા અને ઇંધણની ગંભીર અછતનો સમાવેશ થાય છે. ઇંધણની અછત એમ્બ્યુલન્સ સેવાઓ અને હોસ્પિટલ જનરેટર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. 

સ્પેશિયલાઇઝ્ડ હેલ્થકેર: યુદ્ધકાળમાં ઇમર્જન્સી રિસ્પોન્સને પ્રાધાન્ય મળતાં વિશેષ આરોગ્યસંભાળ પણ પાછળ ધકેલાવાની શક્યતા રહે છે. આમાં ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી ક્રોનિક પરિસ્થિતિની સારવાર અને વ્યવસ્થાપનમાં વિક્ષેપ અને મેટર્નલ કેર, ઓન્કોલોજી અને ડાયાલિસિસ જેવી વિશેષ સેવાઓમાં વિક્ષેપનો સમાવેશ થાય છે. 

ઇમર્જન્સી અથવા જરૂરિયાતમંદ લોકો માટે જગ્યા બનાવવા માટે દર્દીઓને હોસ્પિટલોમાંથી સામાન્ય કરતાં વહેલા રજા આપવામાં આવી શકે છે. આનાથી ફક્ત તાત્કાલિક મૃત્યુદરનું જોખમ વધવાની શક્યતા તો છે જ, પરંતુ એ જ સાથે તેને કારણે લાંબા ગાળાની સ્વાસ્થ્ય ગૂંચવણોમાં પણ વધારો થઇ શકે છે. 

મેડિકલ ટૂરિઝમ પર અસર:  ભારત તબીબી પર્યટન માટે એક મુખ્ય કેન્દ્ર છે અને હવે તેના પર અખાતી યુદ્ધના નકારાત્મક પરિણામો જોઈ રહ્યું છે. આના કારણોમાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધો અને ફ્લાઇટ રદ થવા સહિતની ઘટનાઓ મુખ્ય છે. ઈરાન, ઇરાક અને યુએઈ ભારતના તબીબી પર્યટનમાં મુખ્ય ફાળો આપનારાઓમાંના કેટલાક દેશ છે. 

યુદ્ધના પરિણામે પશ્ચિમ એશિયામાંથી આંતરરાષ્ટ્રીય દર્દીઓના પ્રવાહમાં 5ચાસથી 75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને હોસ્પિટલ ચેઇન્સની આવકમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

આપણે ભૂતકાળ જોઇએ તો ભારતમાં કોવિડ-19 રોગચાળાની બીજી લહેર દરમિયાન વર્તમાન જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. એ વખતે 2021માં દેશમાં ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે ભારતમાં 10.2 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. 

એ જ રીતે, વર્ષ 2020માં રોગચાળાની શરૂઆતથી નાગરિક નોંધણી પ્રણાલીમાં મૃત્યુમાં 26 ટકાનો આઘાતજનક વધારો નોંધવામાં આવ્યો છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષની પણ આવી જ અસર થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી પરિસ્થિતિને નિયંત્રણમાં ન લાવવામાં આવે અને સપ્લાય ચેઇન તેના ભૂતપૂર્વ ધોરણો ફરી શરૂ ન કરે ત્યાં સુધી તે ધીમી ગતિએ ચાલતું પરિણામ હશે. આપણે આશાવાદી બનીએ તો અમેરિકા અને ઇરાનના વિવિધ સમાચારો જોતા એપ્રિલના પહેલા સપ્તાહમાં યુદ્ધ અટકી જવાની સંભાવના દેખાય છે, પરંતુ જો આ આશા ફળે તો પણ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઇ ગયું હશે અને તે સરભર થતાં વર્ષો લાગશે!