નવી દિલ્હી: ભારતીય રેલવેએ ટ્રેનોમાં સતત વધી રહેલી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. જેમાં જનરલ અને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે વિશેષ યોજના બનાવી રહ્યું છે.
ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી રહી છે.
આ અંગે રેલવેએ સંસદમાં માહિતી આપી હતી કે લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી રહી છે. તેમજ ઓછી અને મધ્યમ આવક ધરાવતા મુસાફરો માટે 17,000 નવા નોન-એસી કોચ બનાવવામાં આવી રહ્યા છે.જ્યારે અમૃત ભારત ટ્રેનોના કાફલાનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
જનરલ કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવ્યા
આ ઉપરાંત રેલવેએ જણાવ્યું કે, ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં સમગ્ર વર્ષ દરમિયાન વધઘટ થતી રહે છે. તેમજ રજાઓ અને તહેવારો દરમિયાન લોકપ્રિય રૂટ પર ઘણીવાર ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી દોડતી જોવા મળે છે. જેના પગલે છેલ્લા બે વર્ષમાં ઘણી લાંબા અંતરની ટ્રેનોમાં વધારાના જનરલ કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવ્યા છે.
2025-26 માં, ટ્રેનોમાં 870 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા
વર્ષ 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા ચાર જનરલ કોચ હોય તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 1,250 જનરલ કોચ રજૂ કરવામાં આવ્યા હતા. 2025-26 માં, ટ્રેનોમાં 870 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા હતા. જેમાં 160 જનરલ કોચનો સમાવેશ થાય છે.
સારી સુવિધાઓ અને બેઠક ક્ષમતા વધારવાનો
તેમજ વધુમાં 1 એપ્રિલથી 30 જૂન 2026 વચ્ચે 20 જનરલ કોચ સહિત 190 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા હતા. આ પગલાંનો હેતુ સામાન્ય લોકો માટે વધુ સારી સુવિધાઓ અને બેઠક ક્ષમતા વધારવાનો છે. રેલવેના આશરે 89,000 કોચમાંથી, લગભગ 70 ટકા નોન-એસી અને 30 ટકા એસી કોચ છે.
આ ઉપરાંત વર્તમાન નીતિ હેઠળ 22 કોચવાળી મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 12 જનરલ/નોન-એસી સ્લીપર કોચ અને 8 એસી કોચનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરોને સસ્તા મુસાફરી વિકલ્પો મળી શકે.
MEMU અને EMU ટ્રેનો નોન રિઝર્વ મુસાફરો માટે
તેમજ પેસેન્જર, MEMU અને EMU ટ્રેનો બિન-અનામત મુસાફરો માટે ચલાવવામાં આવી રહી છે. રેલવે અનુસાર અમૃત ભારત ટ્રેન - જે નીચલા-મધ્યમ આવક જૂથના મુસાફરો માટે રજૂ કરવામાં આવી છે. જે સંપૂર્ણપણે નોન-એસી છે. તેની વર્તમાન રેક રચનામાં 11 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, એક પેન્ટ્રી કાર અને બે લગેજ-કમ-દિવ્યાંગ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનો વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં મળતી સુવિધાઓ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે.