Tue Apr 21 2026

Logo

ઓફિસ છે કે રિસોર્ટ? ટાર્ગેટ અને ટેન્શન વગરની આ 'ચિલ' જોબ જોઈને નેટિઝન્સે કહ્યું અમારે પણ...

2026-04-21 20:56:02
Author: Darshana Visaria
Article Image

આપણામાંથી મોટાભાગના લોકો જ્યારે પણ ઓફિસ શબ્દ સાંભળે એટલે આંખો સામે આવી જાય ટાર્ગેટ, ડેડલાઈન અને બોસનો ગુસ્સો. હાલમાં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર વાઈરલ થઈ રહેલી એક પોસ્ટે ઈન્ડિયન પ્રોફેશનલ્સને ચોંકાવી દીધા છે. આ પોસ્ટમાં એક ભારતીય યુવકે યુરોપિયન મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાનો પોતાનો એવો અનુભવ શેર કર્યો છે કે લોકો તેને 'ડ્રીમ જોબ' ગણાવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આ પોસ્ટમાં ખાસ... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં યુવકે જણાવ્યું છે કે કેવી રીતે કામના દબાણ વગર પણ પ્રોફેશનલ ગ્રોથ શક્ય છે. તેની ઓફિસનું કલ્ચર ભારતીય વર્ક કલ્ચર કરતા તદ્દન અલગ છે. યુવકે જણાવ્યું કે ઓફિશિયલ ટાઈમિંગ સવારે 11થી રાતે 8નો છે, પરંતુ મોટાભાગના કર્મચારીઓ બપોરે બે વાગ્યે આવે છે અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો ઘરે જવા નીકળી જાય છે.

યુવકે પોતાની પોસ્ટમાં આગળ વર્ક પેટર્ન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ટીમમાં દરેકને પોતાની ક્ષમતા મુજબ કામ સોંપવામાં આવે છે. કોઈના પર વધારાનો વર્કલોડ નાખવામાં આવતો નથી, જેનાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે. યુવકે લખ્યું છે કે કામનું પ્રેશર ઓછું હોવાથી તે નવા કોડ અને પ્રોજેક્ટ્સ શીખવામાં સમય ફાળવી શકે છે. ટીમના સભ્યો પણ ખૂબ જ મદદગાર અને સન્માનજનક વર્તન રાખે છે. 

તમને હજી આ કંપનીની ખાસ વાત જણાવવાની થાય તો યુવક જે કંપનીમાં નોકરી કરે છે કંપનીમાં કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 2-3 દિવસ જ ઓફિસ જવાનું હોય છે, જ્યારે બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ કરવાની છૂટ કંપની દ્વારા આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર યુવકની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ વાઈરલ થતાં જ યુઝર્સ આ વર્ક કલ્ચરને લઈને અલગ-અલગ મંતવ્ય આપી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા કહી રહ્યા છે કે નસીબદારને જ આવી નોકરી મળે, જ્યારે કેટલાક લોકોએ ચેતવણી આપતા લખ્યું હતું કે વધારે પડતો આરામ કરિયરની ગ્રોથ ધીમી ન કરી દે તે જોવું જોઈએ. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...