Thu Jun 18 2026

Logo

ભારતની મહિલા ક્રિકેટરોએ પાકિસ્તાનની ટીમને આઠ વિકેટે કચડી નાખી

2026-02-15 16:34:00
Author: Ajay Motiwala
Article Image

બૅન્ગકૉકઃ ભારતના પુરુષ ક્રિકેટરો કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ સાથે જંગમાં ઊતરે એના થોડા કલાકો પહેલાં જ ભારતની મહિલા ક્રિકેટરોની ટીમે પાકિસ્તાનની વિમેન્સ ટીમને થાઇલૅન્ડના પાટનગર બૅન્ગકૉક (BANGKOK)ની ટી-20 ટૂર્નામેન્ટની મૅચમાં આઠ વિકેટે કચડી નાખી હતી.

એસીસી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ-2026 નામની ટૂર્નામેન્ટમાં મુંબઈની રાધા યાદવની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે 94 રનનો લક્ષ્યાંક માત્ર 10.1 ઓવરમાં બે વિકેટના ભોગે 97 રનના ટોટલ સાથે મેળવી લીધો હતો. ખુદ કૅપ્ટન રાધા યાદવ (3-0-11-2) આ મૅચની સુપર પર્ફોર્મર હતી.

હફસા ખાલિદના સુકાનમાં પાકિસ્તાન-એ ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ આખી ટીમ 18.5 ઓવરમાં માત્ર 93 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ઓપનર શવાલ ઝુલ્ફીકરના 23 રન ટીમમાં સૌથી વધુ હતા. ભારત (INDIA) વતી રાધા ઉપરાંત સઇમા ઠાકોર તથા પ્રેમા રાવતે પણ બે-બે વિકેટ લઈને પાકિસ્તાની ટીમને 100 રન સુધી ન પહોંચવા દેવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એક-એક વિકેટ જિન્તીમણી ખાલિતા અને મિન્નુ મનીએ મેળવી હતી. પાકિસ્તાની ટીમે બીજા જ રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી.

ભારતીય મહિલા ટીમે (WOMEN TEAM) 94 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં શૂન્યમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, પરંતુ વૃંદા દિનેશ (પંચાવન અણનમ, 29 બૉલ, બાર ફોર) અને અનુષ્કા શર્મા (24 રન, 26 બૉલ, ચાર ફોર) વચ્ચે 79 રનની ભાગીદારીએ ટીમની જીત આસાન બનાવી દીધી હતી. વૃંદા સાથે તેજલ હસબનીસ (12 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) અણનમ રહી હતી. ભારતીય મહિલા ટીમ આ મૅચ પહેલાં યુએઇ સામે હારી ગઈ હતી.