નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધના માહોલ વચ્ચે વિમાનમાં વપરાતા જેટ ફ્યુલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારના એક મહત્વના નિર્ણયના લીધે હવાઈ મુસાફરોને રાહત મળી છે. કેન્દ્ર સરકારે 10,000 કરોડના ATF પ્રાઇસ સ્ટેબિલાઈઝેશન ફંડને મંજૂરી આપી છે. જેના લીધે મુસાફરો અચાનક ભાવ વધારાથી બચી શકશે. આ યોજના હેઠળ સ્થાનિક એરલાઇન્સને ત્રણ વર્ષ સુધી નિશ્ચિત ભાવે ઇંધણ આપવામાં આવશે.
નવી ફોર્મ્યુલા હેઠળ પ્રતિ લિટર રૂપિયા 10 થી વધુનો વધારો
જોકે, આ દરમિયાન મંગળવારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં આશરે 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. એવિએશન ઉદ્યોગના સૂત્રો મુજબ સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ઇંધણનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 104 થી વધીને રૂપિયા 115 થશે. આ નવી ફોર્મ્યુલા હેઠળ પ્રતિ લિટર રૂપિયા 10 થી વધુનો વધારો દર્શાવે છે. સરકારની પ્રાઇસ સ્ટેબિલાઈઝેશન એટીએફ યોજના પસંદ કરતી એરલાઇન્સ માટે આ નવો દર ત્રણ વર્ષ માટે નિશ્ચિત રહેશે. જે એરલાઇન્સ આ યોજનામાં નહિ જોડાય તો તેને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની જેમ પ્રતિ લિટર આશરે રૂપિયા 142 ચૂકવવા પડશે.
આ યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છિક
પ્રાઇસ સ્ટેબિલાઈઝેશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનારી એરલાઇન્સને પ્રતિ લિટર ₹ 115 ના દરે ઇંધણ મળતું રહેશે. જે વૈશ્વિક વધઘટથી સુરક્ષિત રહેશે. તેનાથી વિપરીત જે એરલાઇન્સ આ યોજનામાં જોડાશે નહીં તેમને ભાવ ઘટાડાનો લાભ મળશે પરંતુ જો આંતરરાષ્ટ્રીય દર વધે તો તેમણે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને એરલાઇન્સે ભાગ લેવો કે નહીં તે નક્કી કરવું પડશે.