Mon Aug 31 2026

Logo

5G યુઝર્સ માટે ખુશખબર! હવે નેટવર્ક નહીં થાય ડિસ્કનેક્ટ, ભારત સરકારનો મોટો નિર્ણય

2026-08-30 18:52:09
Author: Mumbai Samachar Team
5G યુઝર્સ માટે ખુશખબર! હવે નેટવર્ક નહીં થાય ડિસ્કનેક્ટ, ભારત સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ 5G નેટવર્કનો ઉપયોગ કરતા હોવ અને ક્યારેક લૉ નેટવર્કની સમસ્યા આવતી હોય તો હવેથી આવું નહીં બને. આ પ્રોબ્લમ હવે કાયમી ધોરણે દૂર થઈ જવાનો છે. દેશભરમાં 5Gના માર્ગ પર જે મોટી અડચણ હતી એ નેટવર્ક કરવરેજની હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય કર્યો છે. 5G નેટવર્કને લઈને યુઝરને જે મુશ્કેલી ઊભી થતી હતી એ હવેથી નહીં થાય. ટાવરથી અંતર વધારે હોય એવા સમયે સિગ્નલ લોસ્ટ થઈ જતા અથવા તો સિગ્નલ નબળા પડી જતા હતા. 

કંપનીઓનો ખર્ચો બચી જશે

આનાથી ટેલિકોમ કંપનીઓને થોડા થોડા અંતરે વધારે ટાવર ઊભા કરવા પડતા હતા. આના કારણે ખર્ચો પણ વધી જતો હતો. હવે સરકારે વર્ષો જૂના રેડિએશન નિયમમાં થોડી રાહત આપી દીધી છે. જેનાથી સિગ્નલ રેન્જ બમણી થઈ જશે. સરકારે મોબાઈલ માટે ઈલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ એટલે કે રેડિએશનની મર્યાદામાં રાહત આપી છે.  

આ નિર્ણય અંતર્ગત હવે નવા નિયમ આગામી મહિનાથી લાગુ પડી જશે.જેમાં 5G બેઝ પાવર સ્ટેશનનો પાવર ડેન્સિટી 5 વૉટ/વર્ગ મીટરથી વધારીને 10 વૉટ/વર્ગ મીટર કરી દીધો છે. સરકારના આ નિર્ણયથી હવે ટાવર પરથી આવતા સિગ્નલ લાંબા અંતર સુધી જઈ શકશે અને ક્નેક્ટ પણ થઈ શકશે. આનાથી દરેક ટેલિકોમ કંપનીને એક જ ટાવર પરથી વધુમાં વધુ અંતર સુધી નેટવર્ક આપવામાં પણ મોટી મદદ મળી રહેશે. આનાથી નેટવર્કનો વિસ્તાર થશે અને ક્નેક્ટિવિટી પણ મજૂબત થશે. 

કંપનીઓની હતી માગ

છેલ્લા કેટલાક સમયથી ટેલિકોમ કંપનીઓ રેડિએશનમાં છૂટછાટ આપવા માટેની માગ કરી રહી હતી, કંપનીઓનો એવો તર્ક હતો કે, જૂની જે મર્યાદા છે એ 5Gના પ્રભાવી નેટવર્કમાં સમસ્યા બની રહી હતી. ભારતે વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય માપદંડની તુલનામાં ખૂબ જ સખત રેડિએશનના નિયમોનું પાલન કર્યું હતું. આ માપદંડ ઈન્ટરનેશનલ કમિશન ઓન નોનો આયોનાઈજિંગ રેડિએશન પ્રોટેક્શન દ્વારા નક્કી કરવામાં આવે છે. 

WHOએ પણ પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત EMFના પ્રભાવ અંગે સલાહ આપી છે. શરૂઆતના તબક્કામાં ભારતમાં પાવર ડેન્સિટીની મર્યાદા 1 વૉટની હતી. જેને ગત વર્ષે વધારીને 5 વૉટ કરવામાં આવી. હવે આને વધારીને 10 વૉટ કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ICNIRPના વૈશ્વિક માપદંડ અનુસાર જ છે. આ નવા નિયમનો સૌથી વધારે ફાયદો ટેલિકોમ કંપનીઓને પણ થવાનો છે. મોબાઈલ ઑપરેટર્સને થવાનો છે. 

નેટવર્કનો વિસ્તાર કરવા છૂટછાટ

ઓછા ટાવરની મદદથી એક મોટો એરિયા ક્નેક્ટ કરી શકાશે. આનાથી નવા ટાવર લગાવવાનો ખર્ચ ઘટી જશે અને આર્થિક રીતે પણ ફાયદો થશે. ભારતમાં જાણીતી ટેલિકોમ કંપનીઓએ 5G મોબાઈલના સપોર્ટ પર 5G નેટવર્ક આપવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અન્ય કંપનીઓ 5G નેટવર્ક આપવાની તૈયારીમાં છે. 

ભારતે 2008માં પહેલી વાર આ ધોરણો અપનાવ્યા હતા, પરંતુ 2012માં નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા. આ પછી હવે 5Gના નેટવર્કનો વિસ્તાર કરવા માટે આ પ્રકારની મોટી છૂટછાટ આપવામાં આવી રહી છે.