નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને લઈને ભારતે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પ્રદેશોમાં ચીન દ્વારા સ્થળોના 'કાલ્પનિક' નામ આપવાના કોઈપણ પ્રયાસો દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને સામાન્ય બનાવવાના ચાલુ પ્રયાસોને નુકસાન પહોંચાડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે ભારત ચીન દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન ગમે તેટલા ખોટા દાવા કરે અથવા મનઘડત વાર્તાઓ બનાવે, પરંતુ તે એ નકારી ન શકાય તેવી હકીકતને બદલી શકશે નહીં કે અરુણાચલ પ્રદેશ સહિતના આ તમામ પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને હંમેશાં રહેશે.
જયસ્વાલે ઉમેર્યું હતું કે ચીનની આવી ગતિવિધિઓ સંબંધોમાં નકારાત્મકતા ફેલાવે છે અને પરસ્પર સમજણ કેળવવાના પ્રયાસોને નબળા પાડે છે, તેથી ચીને આવા કૃત્યોથી દૂર રહેવું જોઈએ.
Our response to media queries regarding China giving fictitious names to places ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 12, 2026
🔗 https://t.co/j6WPzitrh2 pic.twitter.com/NDK1ZACyUZ
વર્ષ 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદથી ભારત અને ચીન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ ઓછો કરવા માટે સતત વાતચીત કરી રહ્યા છે. જોકે, વિશ્લેષકો અને ઉચ્ચ અધિકારીઓ વારંવાર ચીનની આ લાંબા ગાળાની વ્યૂહરચના તરફ નિર્દેશ કરે છે, જેમાં તે સરહદી માળખાગત સુવિધાઓ, ડ્યુઅલ-યુઝ વસાહતો અને સ્થળોના પુનઃનામકરણ દ્વારા સરહદ પર પોતાની અસર વધારવાનો પ્રયાસ કરે છે. ચીન વારંવાર અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે, જેને ભારત દરેક વખતે ફગાવતું આવ્યું છે.
આ અગાઉ મે 2025માં પણ વિદેશ મંત્રાલયે ચીનના આવા નકામા અને વાહિયાત પ્રયાસોની ટીકા કરી હતી. તે સમયે પણ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર 'ક્રિએટિવ નામકરણ' કરવાથી જમીની હકીકત બદલાતી નથી. ઉત્તર-પૂર્વના રાજ્યોના લોકોના વિઝા અને પ્રવાસ સંબંધિત તાજેતરની ઘટનાઓ વચ્ચે ભારતનું આ આકરું વલણ દર્શાવે છે કે તે પોતાની પ્રાદેશિક અખંડિતતા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી.