નવી દિલ્હીઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાઈ-સ્પીડ રેલ ટ્રેકથી લઈને સ્ટેશનો, પુલો અને ટનલ નિર્માણનું કામ યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન જયારે સ્પીડમાં હશે ત્યારે તે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા કામની પ્રગતિને ધ્યાનમાં રાખીને બુલેટ ટ્રેન સેવા આગામી વર્ષ એટલે કે 2027થી શરૂ થવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.
રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં મંત્રાલય તરફથી લખવામાં આવ્યુ છે કે, 'બુલેટ ટ્રેન પાટાઓ પર દોડાવવા માટે તૈયાર!' જેમાં બુલેટ ટ્રેન કોરિડોર પર ચાલી રહેલા કામની ઝલક જોવા મળી રહી છે. રેલવે મંત્રાલય તરફથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સુરત-વાપી ટ્રેક પર રેલવે બ્રિજ, સ્ટેશન,ટનલમાં કામ કરતા રેલવે કર્મચારીઓ જોવા મળે છે, જે એ વાત સ્પષ્ટ કરે છે કે આવતા વર્ષે આ કાર્ય પૂર્ણ થઈ જશે.
સુરત-વાપી બુલેટ ટ્રેન સેક્શન કેટલું લાંબુ?
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ટ્રેક્સ પર પુરપાટ ઝડપે દોડતી દેખાશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પહેલા ચરણની શરૂઆત 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર થશે. જેનો 348 કિલોમીટર ભાગ ગુજરાતમાં આવે છે અને વાપી-સુરત સેક્શનનો વીડિયો રેલવે મંત્રાલયે શેર કર્યો તે 100 કિલોમીટરનો છે.
बुलेट ट्रेन अगले साल पटरियों पर दौड़ने के लिए तैयार!#BulletTrain #RailInfra pic.twitter.com/EgVJW9lVGv
— Ministry of Railways (@RailMinIndia) September 22, 2026
ફક્ત 2 કલાકમાં મુંબઈથી અમદાવાદ, 12 સ્ટોપેજ
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર બુલેટ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક સુધી રહેશે, જયારે અમદાવાદથી મુંબઈ વચ્ચે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બુલેટ ટ્રેન આવતા વર્ષે દોડશે. હાઈ સ્પીડ ટ્રેનો દ્વારા અત્યારસુધી 6 કલાકમાં કપાતું અંતર 2 કલાકમાં જ પૂર્ણ થશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 12 સ્ટોપેજ નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સાબરમતી રાખવામાં આવ્યું છે અને છેલ્લું સ્ટેશન મુંબઈ છે. તેના સિવાય થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને અમદાવાદ સામેલ છે.