Sat May 02 2026

Logo

ભારતભરમાં લોકોના મોબાઇલમાં એલર્ટ મેસેજથી ફફડાટ

2026-05-02 12:13:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ભારતભરમાં લોકોના મોબાઇલમાં એલર્ટ મેસેજથી ફફડાટ ફેલાયો હતો. જોકે, આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી. સરકારે કહ્યું, જો તમારા ફોનમાં એલર્ટ મેસેજ આવે તો ગભરાતા નહીં. લોકોને આપત્તિના સમયે સાચી માહિતી સમયસર મળે તે માટે આ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગનો હિસ્સો છે. ટેસ્ટિંગ દરમિયાન આ મેસેજ વારંવાર આવી શકે છે. તેની અવગણના કરો, તમારે કંઈ કરવાની જરૂર નથી. 

મેસેજમાં શું લખ્યું

મેસેજમાં લખ્યું હતું, ભારતે પોતાના નાગરિકો માટે તાત્કાલિક આપત્તિ એલર્ટ સર્વિસ માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેલ બ્રોડકાસ્ટ લોન્ચ કર્યું છે. સતર્ક નાગરિક, સુરક્ષિત દેશ. આ મેસેજ મળ્યા બાદ જનતાએ કોઈ પગલાં લેવાની  જરૂર નથી. આ એક ટેસ્ટ મેસેજ છે. ભારત સરકાર.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંચાર પ્રધાને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે શનિવારે નાગરિકોને કટોકટીની ચેતવણીઓ ઝડપી અને વધુ અસરકારક રીતે મળી રહે તે હેતુથી રાષ્ટ્રવ્યાપી મોબાઇલ-આધારિત આપત્તિ સંચાર પ્રણાલીનો પ્રારંભ કર્યો હતો. કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન નાગરિકો સુધી મહત્વપૂર્ણ માહિતી ઝડપથી અને વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય તે માટે દૂરસંચાર વિભાગે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સહયોગથી આ સિસ્ટમ વિકસાવી છે.

દેશમાં લાગુ થઈ સિસ્ટમ

આ પહેલનો મુખ્ય આધાર એક સાથે એલર્ટ મોકલવાનો છે. તેને તમામ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરી દેવામાં આવી છે. ટેલિકોમ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલું આ પ્લેટફોર્મ મોબાઈલ વપરાશકર્તાઓને ભૌગોલિક રીતે ટાર્ગેટ કરીને ચેતવણીઓ આપવા માટે SMS આધારિત એલર્ટનો ઉપયોગ કરે છે. તે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ દ્વારા ભલામણ કરવામાં આવેલો કોમન એલર્ટિંગ પ્રોટોકોલનું પાલન કરે છે.