Sat May 02 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કમર્શિયલ એલપીજીનો ભાવવધારો, ભાર અંતે તો ક્નયાની કેડ પર

2026-05-02 08:36:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

દેશનાં રાજ્યોમાં મતદાન પતશે એ સાથે જ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ઝીંકાશે એવી અટકળો ચાલતી હતી. મોદી સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે, પેટ્રોલ-ડીઝલ કે રાંધણગેસના ભાવ નથી વધવાના છતાં લોકોને ભાવવધારો ઝીંકાશે જ એવો ફફડાટ છે જ. હવે પછી શું થશે એ ખબર નથી પણ સદનસીબે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધારવાની વાતને વળગી રહી છે તેથી સામાન્ય લોકો પર સીધો કોઈ બોજ નથી વધ્યો પણ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમતમાં ઝીંકાયેલા તોતિંગ વધારાને કારણે આડકતરો બોજ આવી ગયો. 

સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026ના રોજની તાત્કાલિક અસરથી 19 કિલો કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. સાથે સાથે પાંચ કિલોવાળા ફ્રી ટ્રેડ એલપીજી એફટીએલ સિલિન્ડરની કિમતોમાં પણ 1 મે, 2026થી 261 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પહેલાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમત 2000 રૂપિયાની આસપાસ હતી. હવે 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો તેથી લગભગ 50 ટકાનો વધારો ઝીંકાયો કહેવાય.  

આ વધારાને પગલે દેશભરમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી કેમ કે બે મહિના પહેલાં જ ઘરેલુ એલપીજીના ભાવ વધારાયા હતા. સાત માર્ચે સરકારે ઘરેલુ એલપીજી એટલે કે રાંધણગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરેલો. બે મહિનાના ગાળામાં બીજી વાર ભાવવધારો થાય તો બૂમાબૂમ થઈ જાય તેથી સરકારે રાંધણ ગેસમાં ભાવવધારો ટાળ્યો પણ કમર્શિયલ એલપીજીના ભાવને મામલે એવી શરમ ના રાખી. 

ઓઈલ કંપનીઓએ સાત માર્ચે સરકારે ઘરેલુ એલપીજી એટલે કે રાંધણગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો ત્યારે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો મસમોટો વધારો કરેલો. આ વધારાના મહિના કરતાં પણ ઓછા સમયમાં એટલે કે એક એપ્રિલથી અમલી બને એ રીતે 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરની કિમતમાં 218 રૂપિયા સુધીનો વધારો ઝીકી દેવાયેલો. એ વખતે દિલ્હીમાં સિલિન્ડરની કિમત 194 રૂપિયા વધીને 2078 થઈ ગઈ હતી ને હવે 993 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિમત સીધી 3071 રૂપિયા થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં 3024 રૂપિયા થઈ ગયા છે. દિલ્હીમાં  પાંચ કિલોવાળા `છોટુ' ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરની કિમત વધીને 339 રૂપિયા થઈ ગઈ છે. બીજાં શહેરોમાં તેની આસપાસ જ ભાવ છે. 

બે મહિનાના ગાળામાં જ કમર્શિયલ ગેસના ભાવમાં ત્રીજી વાર થયેલા ભાવવધારા પાછળ અમેરિકા અને ઈરાન યુદ્ધ મુખ્ય કારણ છે તેથી સરકાર પર દોષારોપણ કરી શકાય તેમ નથી.  ઈરાને અમેરિકાને જવાબ આપવા માટે હોર્મુઝ સ્ટ્રેઈટને બંધ કરી દીધી હતી ને પોતે ઈચ્છે એ જ જહાજને પસાર થવા દે છે. 

અમેરિકાએ ઈરાનને ભિડાવવા માટે આ વિસ્તારમાં પોતાનાં યુદ્ધ જહાજો મોકલીને નાકાબંધી કરી દીધી તેમાં ક્રૂડ ઓઈલ લઈને આવતાં સંખ્યાબંધ જહાજો ફસાઈ ગયાં છે. હોર્મુઝ સ્ટ્રેઈટનો રસ્તો બ્લોક થઈ જતાં ભારતનાં પણ ઘણાં જહાજ અટવાયાં છે અને ભારત આવતો કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાયો છે. ભારતમાં વસતી વધારે છે તેથી ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાત વધારે છે. 

ઈરાન ને અમેરિકા ઝઘડ્યા કરે તેના કારણે આપણે થોડું જીવવાનું છોડી દેવાય ? આપણા ધંધાપાણી બંધ કરીને થોડા નવરા થઈ જવાય? સ્વાભાવિક રીતે જ આપણે આપણી જરૂરિયાતને પહોંચી વળવા માટે બીજા રસ્તા શોધીએ જ. આ રસ્તા આપણી સરકારે શોધ્યા છે પણ તેના કારણે પડતર કિમત વધી ગઈ છે. આ વધારાની પડતર કિમતનો બોજ ગ્રાહકો પર જ આવવાનો તેથી ઓઈલ કંપનીઓએ ભાવવધારો ઝીંકી દીધો છે. 

ઓઈલ કંપનીઓએ દાવો કર્યો છે કે, સામાન્ય લોકો પર બોજ ના આવે એટલા માટે ઘરેલુ રાંઘણગેસના ભાવ નથી વધારાયા. ઘરેલુ રાંધણગેસના ભાવ ના વધારાયા તેના કારણે લોકો પર સીધો બોજ ભલે ના આવ્યો પણ કમર્શિયલ ગેસમાં થયેલા ભાવવધારાના કારણે લોકો પર તેની અસર પડવાની જ છે. આ અસર પણ ભારે હશે કેમકે કંપનીઓએ સીધો 50 ટકાનો વધારો ઝીંક્યો છે. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાની અસર સૌથી વધારે રેસ્ટોરન્ટસ સહિતના ધંધાઓ પર પડશે. ચાવાળા, નાસ્તાની લારીઓ સહિતની ખાણીપીણીની ચીજોના ધંધામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર વપરાય છે તેથી એ લોકો ભાવ વધારશે જ. 

અત્યારે દોડધામભરી જિંદગીના કારણે લોકો પાસે ઘરે જમવાનું તો છોડો પણ નાસ્તો કરવાનો સમય પણ હોતો નથી તેથી લોકો બહારથી જ જે મળે એ ખાઈને લાવી લેતાં હોય છે. મોંઘવારી એવી છે કે ઘરમાં બધાં લોકો કમાતાં હોય તો જ બે છેડા માંડ ભેગા થાય તેથી બહારથી ખાવાનું મગાવવાનું ચલણ પણ વધારે છે. આખું અઠવાડિયું કામ કર્યું હોય એટલે રજાના દિવસે બહાર જમવા જવાનું ચલણ પણ વધ્યું છે. ખાણીપીણીની ચીજોના ભાવ વધશે તેથી  અંતે તો તેમનાં ખિસ્સાં પર જ કાતર ફરી વળવાની છે ને તેમના પર જ આર્થિક બોજ વધવાનો છે.
 
`છોટુ' એટલે કે  પાંચ કિલોના મિની સિલિન્ડરના ભાવવધારાથી તો મજૂરોને અને ચાવાળા સહિતના નાના ધંધાવાળાને સૌથી વધુ અસર થશે.  કામ કરવા માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતા મજૂરોને રાંધવા માટે પાંચ કિલોના સિલિન્ડરનો જ આશરો હોય છે. તેના ભાવ વધી જતાં આ મજૂરોની હાલત ખરાબ થઈ જશે. એ જ રીતે નાના ધંધાવાળાઓએ પણ ભાવ વધારવા પડશે ને તેની અસર પણ સમાજના નીચલા વર્ગ પર પડશે કેમ કે એ લારીઓ કે ઠેલામાં મળતું સસ્તા ભાવનું ખાવાનું મોટા ભાગે એ લોકો જ ખરીદતા હોય છે. 

અત્યારે સ્થિતિ ખરાબ છે ને અનિશ્ચિતતા પણ છે તેથી ક્રૂડ કે ગેસનો પુરવઠો ક્યારે સામાન્ય થશે એ ખબર નથી. અમેરિકા અને ઈરાને હમણાં યુદ્ધવિરામ સ્વીકાર્યો છે તેથી યુદ્ધ બંધ છે પણ હોર્મુઝ સ્ટે્રઈટનું કોકડું તો ગૂંચવાયેલું જ છે તેથી જહાજો તો હજુ પણ નથી આવી શકતાં. આ સંજોગોમાં હજુ બીજા આંચકા પણ આવી શકે છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સંધિ થઈ જાય ને હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી પહેલાંની જેમ જહાજો નિર્વિઘ્ને અવરજવર કરવા માંડે.