Mon Oct 05 2026

Logo

ભારતીય મહિલા ક્રિકેટરો એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ફરી ચૅમ્પિયન

2026-02-22 16:34:58
Author: Ajay Motiwala
ભારતીય મહિલા ક્રિકેટરો એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ફરી ચૅમ્પિયન

બૅન્ગકૉકઃ મુંબઈની રાધા યાદવના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટરોની ઇન્ડિયા-એ ટીમે અહીં રવિવારે વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ (Rising Stars) ટી-20 ટૂર્નામેન્ટ સતત બીજી વખત જીતીને ટાઇટલ પર ફરી કબજો કર્યો હતો. ઇન્ડિયા-એ ટીમે બાંગ્લાદેશ-એ ટીમને 46 રનથી માત આપી હતી.

બૅટિંગમાં પુણેની રાઇટ-હૅન્ડ બૅટર તેજલ હસબનીસ (51 અણનમ, 34 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને બોલિંગમાં લેગ-સ્પિનર પ્રેમા રાવત (4-0-12-3)ના પર્ફોર્મન્સ સૌથી ચડિયાતા હતા જેને લીધે ભારતીય ટીમનો વિજય આસાન થઈ ગયો હતો.

બાંગ્લાદેશની ટીમ 135 રનના લક્ષ્યાંક સામે 19.1 ઓવરમાં માત્ર 88 રનમાં આઉટ થઈ ગઈ હતી. સોનિયા મેંઢિયા તથા તનુજા કંવરે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે સઇમા ઠાકોર, મિન્નુ મણી અને ખુદ કૅપ્ટન રાધા યાદવે એક-એક વિકેટ લઈને બાંગ્લાદેશની ટીમ પરના આક્રમણને વધુ તીવ્ર બનાવીને એને 100 રન સુધી પણ નહોતી પહોંચવા દીધી.

એ પહેલાં, ભારતીય ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 134 રન કર્યા હતા જેમાં તેજલ (Tejal Hasabnis)ના અણનમ 51 ઉપરાંત રાધા યાદવ (36 રન, 30 બૉલ, એક સિક્સર, બે ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. ઇન્ફૉર્મ બૅટર વૃંદા દિનેશ (19 રન, 17 બૉલ, ચાર ફોર)એ શરૂઆત સારી કરી હતી, પણ તે લાંબી ઇનિંગ્સ નહોતી રમી શકી. તેજલને પ્લેયર ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.