Mon Oct 05 2026

Logo

ભારત આજે અફઘાનિસ્તાન સામે હૅટ-ટ્રિક સિરીઝ-વિજયની તૈયારીમાં, જાણો કેવી રીતે..

2026-09-15 12:38:00
Author: Ajay Motiwala
ભારત આજે અફઘાનિસ્તાન સામે હૅટ-ટ્રિક સિરીઝ-વિજયની તૈયારીમાં, જાણો કેવી રીતે..

નવી દિલ્હી: ભારતમાં અફઘાનિસ્તાનના ક્રિકેટરો 2026ના વર્ષમાં એકમાત્ર ટેસ્ટની શ્રેણી અને વન-ડે સિરીઝ હારી ગયા પછી હવે આજે બીજી ટી-20 મૅચ (સાંજે 7:30થી લાઈવ)ના પરાજય સાથે સિરીઝની ટ્રોફી પણ ગુમાવશે એવી પાકકી શક્યતા છે.

બંને દેશ વચ્ચે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં ત્રણ મૅચવાળી સિરીઝની બીજી મૅચ રમાશે. ભારતે રવિવારે પ્રથમ મુકાબલો સાત વિકેટે જીતી લીધો હતો. અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારત આજે પણ જીતશે તો 2-0થી વિજયી સરસાઈ મેળવી લેશે.

અફઘાનિસ્તાને સિરીઝની હારથી બચવા આજે ગમે એમ કરીને જીતવું જ પડશે. નહીં તો, આ વર્ષમાં ભારત (India) સામે એની સતત ત્રીજી સિરીઝ-હાર કહેવાશે.

બીજી એક ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાન (Afghanistan) પહેલી જ વખત ભારતમાં યજમાન તરીકે રમી રહ્યું છે. પાકિસ્તાન અને અન્ય કોઈ દેશમાં એના ક્રિકેટરોની સલામતી ન હોવાથી એણે (અફઘાનિસ્તાને) ભારતને મૂળ સ્થળ તરીકે અપનાવી લીધું છે. જોકે યજમાન તરીકે ભારતમાં જ ભારત સામે સિરીઝ હારી ન જવાય એની એના ક્રિકેટરો ખાસ તકેદારી રાખશે.

વરુણ ચક્રવર્તીને ઈજા, બંને મૅચ નહીં રમે 

ટી-20નો વર્લ્ડ નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ઈજાને કારણે આજે અને ગુરુવારે શ્રેણીની છેલ્લી મૅચમાં નહીં રમે. રવિવારની પ્રથમ મૅચમાં તેણે એક વિકેટ લીધી હતી. તેને શરીરના સ્નાયુઓમાં દુખાવો છે, પરંતુ આ મહિને જાપાનમાં રમાનારી એશિયન ગેમ્સ પહેલા તે સ્વસ્થ થઈ જશે એવી આશા છે.

સૅમસનને બદલે આજે વૈભવને મોકો?

વિકેટકીપર બૅટ્સમૅન સંજુ સૅમસન રવિવારની પ્રથમ મૅચમાં ફક્ત 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે બીજો ઓપનર અભિષેક શર્મા 82 રન સાથે મૅચ-વિનર બન્યો હતો. આજે કદાચ સૅમસનને બદલે વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી શકે.

બંને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

ભારત: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા/સંજુ સૅમસન (વિકેટકીપર)/ વૈભવ સૂર્યવંશી (ત્રણમાંથી કોઈ પણ બે), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતીશકુમાર રેડ્ડી, શિવમ દુબે, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

અફઘાનિસ્તાન: ઇબ્રાહિમ ઝડ્રાન (કેપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ગુલબદીન નઇબ, સેદીકુલ્લા અટલ, દાર્વીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઇ, મોહમ્મદ નબી, રાશીદ ખાન, મુજીબ ઉર રહમાન, નૂર અહમદ, ફઝઉલ્લા ફારુકી/નવીન ઉલ હક.