રશ્મિ શુકલ
વિટામિન-ડી આપણા રોજબરોજનાં આહારમાં ખૂબ જરૂરી છે. ભૂલથી પણ એને અવગણતા નહીં. નહીં તો આવશે માઠા પરિણામ. વિટામિન-ડી આપણા હાડકાને મજબૂત બનાવે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. જોકે વિટામિન-ડીની ઊણપથી આખા શરીર અને આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.
વિટામિન-ડીની અછતથી શરીરમાં અમુક લક્ષણો જોવા મળે છે. જો સમયસર એનું નિદાન નહીં કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર જોખમ તોળાવા લાગશે.
વિટામિન-ડીની ઊણપથી થતી બીમારી:
વિટામિન-ડીની અછત થવાથી હાડકાં નબળા થઈ જાય છે. ઓસ્ટિયોપોરોસિસ અને માયાપૈથી જેવી તકલીફો વધવા માંડે છે. આ સાથે જ ડિપ્રેશનની પણ સમસ્યા વકરે છે. આ સિવાય અનિંદ્રા, થાક, હાડકામાં દુ:ખાવો, ડિપ્રેશન, વાળનું ખરવું, કમજોર સ્નાયુ, નિસ્તેજ ત્વચા અને વારંવાર બીમાર પડવાની તકલીફ શરૂ થાય છે.
જો આવી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ હેઠળ સારવાર લેવી.
આજકાલ આપણી વ્યસ્ત અને ફાસ્ટ જીવનશૈલીને કારણે લોકો પોતાના આરોગ્ય પર વધુ ધ્યાન નથી આપતાં. એને કારણે અનેક બીમારી વગર આમંત્રણે આપણા શરીરમાં ઘૂસી જાય છે.
અછતના લક્ષણ: વિટામિન-ડીની અછત થતાં શરીરમાં અમુક ફેરફાર જોવા મળે છે. જેમકે...
હાડકાં અને માંસપેશીઓમાં દુખાવો, નબળાઈ આવવી.
વારંવાર શરદી અને ખાંસી થવી.
જખમને રૂઝ આવવામાં મોડું થવું.
કારણ: વિટામિન-ડીની ઊણપ થવાનું સર્વ-સાધારણ કારણ પૂરતા સૂર્યપ્રકાશનો અભાવ છે. સાથે જ પોષણયુક્ત આહાર ન લેવાથી પણ વિટામિન-ડીની અછત વર્તાય છે. આ સિવાય ઉંમર વધવાની સાથે જ વિટામિન-ડી બનવાની ક્ષમતા ઘટી જાય છે.
ઉપચાર: આપણને કુદરતે વિટામિન-ડીનો સ્ત્રોત આપ્યો છે અને એ છે સૂર્યપ્રકાશ. એથી જેમ બને એમ સવારનો કોમળ તડકો લેવાથી પણ આપણા શરીરને વિટામિન-ડી મળી રહે છે. દરરોજ સવારે 15-20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન-ડી આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
એ દરમિયાન ચહેરો અને હાથને ખૂલ્લા રાખવા જેથી કરીને સૂર્યપ્રકાશ એના પર પડે. સાથે જ આહાર પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેમ કે માછલી, માછલીનું તેલ, ઈંડાં, દૂધ અને અનાજને આપણાં રોજબરોજના આહારમાં સામેલ કરવાથી વિટામિન ડીની ઊણપને દૂર કરી શકાય છે.
તમારી ડાએટમાં કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ.