થાણે: ભિવંડીમાં ગેરકાયદે રેતી ઉલેચવાના રૅકેટનો પર્દાફાશ કરી રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બાર્જ સહિતની અંદાજે 90 લાખ રૂપિયાની સાધનસામગ્રીનો નાશ કર્યો હતો.
મળેલી માહિતીને આધારે રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ શુક્રવારે કેવાની ખાડીમાં ઑપરેશન હાથ ધર્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ કેવાની રેતી બંદર ખાતે ચાલતા ગેરકાયદે રેતી ઉલેચવાના કામમાં સંડોવાયેલા માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન 80થી 90 લાખ રૂપિયાની સાધનસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલના વડપણ હેઠળની ટીમે રેતી કાઢવામાં ઉપયોગમાં લેવાતા પાંચ સક્સન યુનિટ્સ અને આઠ બાર્જનો નાશ કર્યો હતો. સાધનોને સળગાવી દેવામાં આવ્યા હતા અને બાર્જને ખાડીના પાણીમાં ડુબાડી દેવાઈ હતી. આ કાર્યવાહીથી માફિયાઓને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અધિકારીનું કહેવું છે.
માફિયાઓ દ્વારા મોટી સાઈઝની 12 ટાંકી ખાડીકિનારે ઊભી કરવામાં આવી હતી, જેમાં ખાડીમાંથી કાઢવામાં આવેલી રેતી ભરવામાં આવતી હતી. મશીનની મદદથી આ ટાંકીને પણ તોડી પાડવામાં આવી હતી. રેતીને જ્યાં સંગ્રહવામાં આવતી હતી તે જમીન પણ ‘રિઝર્વ ફોરેસ્ટ’ હેઠળની હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ભિવંડી ગ્રામીણ પોલીસની ટીમ ઘટનાસ્થળે તહેનાત કરાઈ હતી. (પીટીઆઈ)
AI Generated Images