Sat Apr 18 2026

Logo

IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી

2026-02-25 11:09:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: હરિયાણામાં બેંકિંગ ક્ષેત્રને હચમચાવી દેતી એક મોટી ઘટના સામે આવી છે. IDFC First Bankની ચંદીગઢ શાખામાં થયેલા કરોડો રૂપિયાના નાણાકીય ગોટાળાએ રોકાણકારો અને વહીવટી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. આ કૌભાંડની ગંભીરતાને જોતા વિજિલન્સ વિભાગે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને દબોચી લીધા છે. આ ઘટનાએ બેંકિંગ સુરક્ષા અને ઓડિટ પ્રક્રિયા પર મોટા સવાલો ઊભા કર્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, IDFC First Bankમાં થયેલા રૂ. 590 કરોડના કૌભાંડ મામલે વિજિલન્સ ટીમે આકરી કાર્યવાહી કરી છે. ટીમે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાતા રિભવ ઋષિ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં અભય, સ્વાતિ સિંગલા અને અભિષેક સિંગલાનો સમાવેશ થાય છે. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે હરિયાણા સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓએ બેંક ખાતામાં રહેલી રકમ અને રેકોર્ડમાં દર્શાવેલી રકમ વચ્ચે મોટી વિસંગતતા હોવાની ફરિયાદ કરી હતી.

આ કૌભાંડની માઠી અસર શેરબજારમાં જોવા મળી હતી. એક જ દિવસમાં રોકાણકારોની અંદાજે 14,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે. સોમવારે બેંકના શેરમાં 20%નો મોટો કડાકો બોલાતા લોઅર સર્કિટ લાગી હતી. આર્થિક વિશ્લેષકોના મતે, આ ગેરરીતિની રકમ બેંકની આખી ત્રિમાસિક આવક કરતા પણ વધારે છે, જે બેંકની આર્થિક સ્થિતિ માટે જોખમી સંકેત છે. બેંકના વેલ્યુએશનમાં આવેલા આ ઘટાડાથી સામાન્ય રોકાણકારો ભારે ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે આજે પણ બેંકના શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. કંપની શેરની કિંમતો લગભગ 70 રૂપિયા આસપાસ જોવા મળી હતી. 

શેરના ભાવમાં ધરખમ ઘટાડો થતા ઘણા રોકાણકારો તેને 'સસ્તો શેર' સમજીને ખરીદવા લલચાઈ શકે છે, પરંતુ નિષ્ણાતોએ 'વેલ્યુએશન ટ્રેપ'થી સાવધ રહેવાની ચેતવણી આપી છે. ભૂતકાળમાં RBL બેંક અને ઇન્ડસઇન્ડ બેંક જેવી સંસ્થાઓમાં પણ આવી સમસ્યાઓ સર્જાઈ હતી, જે બાદ બજારમાં તેમનો વિશ્વાસ અને પ્રીમિયમ વેલ્યુએશન પાછું મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં બેંકે તેના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનને 2% થી વધારીને 6% સુધી પહોંચાડ્યું હતું, પરંતુ આ કૌભાંડે આ બધી પ્રગતિ પર પાણી ફેરવી દીધું છે.

IDFC First Bank છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેટ લોન ઘટાડીને રિટેલ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. આ વ્યૂહાત્મક ફેરફારને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો અને સ્ટોક પર સારી તેજી જોવા મળી હતી. પરંતુ હવે વિજિલન્સની આ કાર્યવાહી અને 590 કરોડના ગબન બાદ બેંક મેનેજમેન્ટ માટે ગ્રાહકો અને રોકાણકારોનો ભરોસો ફરી જીતવો એ સૌથી મોટો પડકાર બની રહેશે. હાલમાં પોલીસ અને વિજિલન્સની તપાસ ચાલુ છે, જેમાં અન્ય કેટલાક મોટા નામો બહાર આવવાની પણ શક્યતા છે.