દરેક ઘરમાં ફ્રિજએ રસોડાનું સૌથી મહત્વપૂર્ણ ગેજેટ છે. સામાન્ય રીતે લોકો પોતાની અનુકૂળતા મુજબ દૂધ, લીલા શાકભાજી, રાંધેલું ભોજન કે અન્ય ખાદ્યપદાર્થો ફ્રિજમાં કોઈપણ જગ્યાએ ગોઠવી દેતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફ્રિજના દરેક ભાગનું ટેમ્પરેચર એકસરખું હોતું નથી. જો ખોરાકને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે, તો તે ઝડપથી બગડી શકે છે અને તેમાં બેક્ટેરિયા ફેલાવાનું જોખમ પણ વધી જાય છે.
નિષ્ણાતોના મતે, ફ્રિજનું સામાન્ય તાપમાન ઝીરોથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવું સૌથી આદર્શ માનવામાં આવે છે. યોગ્ય રીતે સ્ટોરેજ કરવાથી ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે અને ક્રોસ-કન્ટામિનેશનથી બચી શકાય છે.
ફ્રિજના કયા ભાગમાં કઈ વસ્તુ રાખવી?
સૌથી ઉપરનું શેલ્ફ:
અહીં એવો ખોરાક રાખવો જોઈએ જેને ફરીથી રાંધવાની જરૂર નથી હોતી (Ready-to-eat). દહીં, પનીર, બચેલું રાંધેલું ભોજન અને ડેરી પ્રોડક્ટ્સ અહીં રાખવા. આ ખોરાકને હંમેશાં એરટાઈટ કન્ટેનરમાં ઢાંકીને રાખવો જેથી નીચેની કાચી વસ્તુઓનો રસ કે પાણી તેના પર ન પડે.
વચ્ચેનું શેલ્ફ:
અહીં માખણ, ઠંડી મીઠાઈઓ, સોસ, સલાડ ડ્રેસિંગ અને સારી રીતે પકાવેલું ભોજન રાખી શકાય છે. જૂનો સામાન આગળ અને નવો સામાન પાછળ રાખવાની ટેવ પાડવી, જેથી અગાઉ લીધેલી વસ્તુઓ પહેલા વપરાઈ જાય અને બગડે નહીં.
સૌથી નીચેનું શેલ્ફ:
કાચું માંસ, ચિકન અને માછલી હંમેશાં સૌથી નીચેના શેલ્ફ પર સીલબંધ બોક્સ કે બેગમાં રાખવા જોઈએ. જો તેમાંથી કોઈ પ્રવાહી ઝરે તો તે માત્ર નીચે જ રહે અને અન્ય તૈયાર ભોજનને દૂષિત ન કરે.
ક્રિસ્પર ડ્રોઅર:
આ ખાનું ખાસ કરીને તાજા ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને સલાડ માટે હોય છે. શાકભાજી સાફ કરીને જ આમાં મૂકવા અને ભેજ જામવા ન દેવો. સમય-સમય પર આ ડ્રોઅર સાફ કરવું જરૂરી છે.
ફ્રિજનો દરવાજો:
દરવાજો વારંવાર ખૂલ-બંધ થતો હોવાથી ત્યાં તાપમાનમાં સતત વધ-ઘટ થતી રહે છે. તેથી અહીં જ્યૂસ, જામ, અથાણું, ચટણી અને બોટલ ડ્રિંક્સ જેવી વસ્તુઓ રાખવી. દૂધ કે જલદી બગડી જાય તેવી વસ્તુઓ દરવાજામાં રાખવાનું ટાળવું જોઈએ.
વાત કરીએ કે આખરે ફ્રિજમાં કઈ વસ્તુ કેટલા દિવસ સુધી સાચવી શકાય? એની તો સામાન્યપણે દહીં સાતથી દસ દિવસ, સોફ્ટ ચીઝ એકથી બે અઠવાડિયા, હાર્ડ ચીઝ ત્રણથી ચાર અઠવાડિયા અને ઈંડા ત્રણથી પાંચ અઠવાડિયા સુધી સુરક્ષિત રહે છે. માખણ લાંબા સમય સુધી સારું રહે છે.