Tue Aug 18 2026

Logo

ઘર માટે કેટલી સ્પીડનો ઈન્ટરનેટ કનેક્શન છે જરૂરી? 1990ના 'Kbps'થી લઈને આજના 'Gbps' સુધીની રસપ્રદ સફર...

2026-07-30 21:03:34
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. ઈન્ટરનેટ કનેક્શન માટે કેટલી સ્પીડ પૂરતી ગણાય? તેનો જવાબ મુખ્યત્વે તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે. જો તમારે માત્ર ઈમેલ મોકલવા અને ચેટિંગ જ કરવી હોય, તો ઓછી સ્પીડથી પણ કામ ચાલી જાય છે, પરંતુ જો તમે ઓનલાઈન ગેમિંગ કે હેવી ડાઉનલોડિંગ કરતા હોવ તો વધુ સ્પીડની જરૂર પડે છે. ઘરના કનેક્શન માટે સ્પીડ હંમેશા તેમાં ઉપયોગમાં લેવાતા કુલ ડિવાઈસ પર પણ નિર્ભર કરે છે.

ઈન્ટરનેટ સ્પીડનો રસપ્રદ ઈતિહાસ:

ઈન્ટરનેટ સ્પીડને બીટ્સ પ્રતિ સેકન્ડ (bps)માં માપવામાં આવે છે એટલે કે એક સેકન્ડમાં કેટલા બીટ્સ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જાય છે. 1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે વર્લ્ડવાઈડ વેબ (WWW)ની શરૂઆત થઈ, ત્યારે ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ માત્ર 14.4 Kbps અને મહત્તમ સ્પીડ 56 Kbps હતી. 2000નો દાયકામાં આ સમયગાળામાં ગ્લોબલ એવરેજ સ્પીડ વધીને 1 Mbps થઈ ગઈ હતી.

તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે ફિક્સ્ડ બ્રોડબેન્ડ કનેક્શન પર સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ 120.52 Mbps અને મોબાઇલ ડેટા પર 109.29 Mbps સુધી પહોંચી ગઈ છે. આજે અમેરિકા જેવા વિકસિત દેશોમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ Gbps (ગીગા બાઈટ્સ)માં સ્પીડ પૂરી પાડી રહ્યા છે.

ડાઉનલોડ અને અપલોડ સ્પીડ વચ્ચેનો તફાવત

મોટાભાગના ઇન્ટરનેટ પ્લાન ડાઉનલોડ સ્પીડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ અપલોડ સ્પીડ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સર્વર પરથી માહિતી તમારા ડિવાઇસ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે તે દર્શાવે છે (દા.ત. વિડિઓ સ્ટ્રીમિંગ). તમારા ડિવાઇસથી ડેટા અન્ય જગ્યાએ કઈ સ્પીડથી અપલોડ થાય છે તે બતાવે છે. આ ફાઇલો મોકલવા, ડેટા બેકઅપ કરવા અને વિડિઓ કૉલ માટે જરૂરી છે.

કયા કામ માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે?

1.    વેબ બ્રાઉઝિંગ: 3થી 5 Mbps

2.    ઈમેલ અને ચેટિંગ: 1 Mbps

3.    વીડિયો(HD): 20-50 Mbps (નેટફ્લિક્સ મુજબ માત્ર HD માટે 5 Mbps પૂરતી છે, પણ મલ્ટીપલ યુઝર્સ માટે વધુ જરૂરી છે)

4.    વીડિયો કોન્ફરન્સિંગ: 3 Mbps અપલોડ અને 4 Mbps ડાઉનલોડ

5.    ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમિંગ: 5થી 10 Mbps ડાઉનલોડ અને 5-20 Mbps અપલોડ (સાથે જ ઓછી લેટેન્સી હોવી જરૂરી છે)

6.    સ્માર્ટ હોમ ડિવાઈસ (10થી 15 ડિવાઈઝ): 5-10 Mbps

મોબાઈલ ડેટા વપરાશમાં ભારત મોખરે:

મોબાઈલ ડેટાના વપરાશમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં એક સ્માર્ટફોન યુઝર સરેરાશ દર મહિને અંદાજે 37 GB ડેટા વાપરે છે, અને વર્ષ 2031 સુધીમાં આ વપરાશ વધીને આશરે 70 GB પ્રતિ માસ સુધી પહોંચી શકે છે. વીડિયો સ્ટ્રીમિંગ, ક્લાઉડ બેઝ્ડ સર્વિસીઝ અને ડિજિટલ એપ્લિકેશન્સની વધતી લોકપ્રિયતા આના મુખ્ય કારણો છે. રાહતની વાત એ છે કે ભારતમાં ઈન્ટરનેટ ડેટાની કિંમત પણ વિશ્વમાં સૌથી ઓછી છે.