જયવંત પંડ્યા
ભારતમાં અનામત માટે બાબાસાહેબ આંબેડકરને યશ અપાય છે. હકીકત એ છે કે સ્વતંત્રતા પહેલાં પણ ભારતમાં અનામત હતી! બે હિન્દુ મહારાજાએ સ્વતંત્રતા પૂર્વે જ અનામત આપી દીધી હતી. ‘મુંબઈ સમાચાર’ના વાચકો મોટા ભાગે મહારાષ્ટ્રમાં છે તેથી તેમને જાણીને વધુ આનંદ થશે કે આ પૈકીના એક રાજા કોલ્હાપુરના હતા શાહુ મહારાજ. અને બીજા મહારાજા એટલે મૈસૂરના મહારાજા નલવાડી કૃષ્ણરાજ વડિયાર!
યોગાનુયોગ ગણો કે જે ગણો તે, આ બંને તેમ જ ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે એક કડી સમાન હતા અંગ્રેજ નોકર-સ્ટુઅર્ટ ફ્રેઝર. સ્ટુઅર્ટ મિલફોર્ડ. ફ્રેઝર બ્રિટિશ સરકારમાં વિદેશ અને રાજકીય બાબતોના વિભાગોમાં અધિકારી હતા. તે ભારતીય વહીવટી સેવામાં જોડાયા તેનાં પાંચ વર્ષ પછી તેમને શાહુ મહારાજ અને કૃષ્ણકુમારસિંહજીના શિક્ષક તરીકે રાજકોટની રાજકુમાર કોલેજમાં નિમણૂક અપાઈ હતી. ઈ. સ. 1896માં તે મૈસૂરના રાજ્યપાલ અને તેના યુવાન રાજા કૃષ્ણરાજ વડિયારના શિક્ષક બન્યા હતા.
શાહુ મહારાજ અને કૃષ્ણરાજ વડિયારે અનામત જાહેર કરી હતી. 26 જુલાઈ 1902ના દિને એટલે કે ભારતનું બંધારણ ક્રિયાન્વિત થયું તેની લગભગ અડધી સદી પહેલાં જ શાહુ મહારાજે સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટે પચાસ ટકા અનામત જાહેર કરી હતી. તેમણે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ કરી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું. તેમણે વિવિધ જ્ઞાતિઓ માટે છાત્રાલયો બનાવ્યાં હતાં. તેમણે વિધવાઓના પુન:વિવાહને અનુમતિ આપતો કાયદો બનાવ્યો હતો ને દેવદાસી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. 12 જુલાઈ 1919એ તેમણે આંતરજ્ઞાતીય અને આંતરપંથીય લગ્ન અધિનિયમ બનાવી આ પ્રકારનાં લગ્નોને વૈધાનિક સ્વરૂપ આપવાનું કામ કર્યું હતું.
આ ઉપરાંત તેમના રાજ્યમાં ભોગાવતી નદી પર રાધાનગરી બાંધ બનાવ્યો હતો. શાહુ મહારાજે ઈ. સ. 1906માં શાહુ છત્રપતિ વીવિંગ ઍન્ડ સ્પિનિંગ મિલ બનાવીને લોકોને આજીવિકા આપવાનું કાર્ય પણ કર્યું હતું. તેમણે રાજારામ કોલેજ પણ બનાવી હતી. શાહુ મહારાજે બધી જ જ્ઞાતિનાં બાળકો હિન્દુ ધર્મગ્રંથો ભણી શકે તે માટે વૈદિક શાળાઓ શરૂ કરાવી હતી. તેમણે ઈ. સ. 1917થી ઈ. સ. 1921 દરમિયાન બાબાસાહેબ આંબેડકર સાથે સંબંધો જાળવી રાખ્યા હતા એટલે આંબેડકર પર તેમના પ્રભાવને પણ નકારી શકાય નહીં.
આંબેડકરના સમાચારપત્ર ‘મૂકનાયક’ને એ વિત્ત સહાય આપતા હતા. બંનેએ 21-22 માર્ચ 1920ના દિને અસ્પૃશ્યોના કલ્યાણ અંગે પરિષદનું આયોજન કર્યું હતું. તેમનાં પત્ની લક્ષ્મીબાઈ ખાનવિલકર વડોદરાના હતાં. આમ ગુજરાત સાથે પણ તેમને કૌટુમ્બિક સંબંધ હતો.
આ જ રીતે, મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ વડિયાર ચોથાને રાજર્ષિ અથવા સંત સમાન રાજા કહેવાતા હતા. પંડિત મદનમોહન માલવિયાએ તેમને ધાર્મિક કહ્યા હતા. આપણે લોકશાહી વિદેશોમાંથી ઉછીની લીધાનું કોઈ કહે તો તેમને કહેવું જોઈએ કે રામાયણના સમયથી તો લોકશાહી હતી જ, પરંતુ તાજાં ઉદાહરણોમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મૈસૂરના મહારાજા વડિયાર ચોથાના શાસનમાં પ્રતિનિધિ સભા (આજની લોકસભા) હતી.
મહારાજાએ ઈ. સ. 1918માં મૈસૂર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સર લેસ્લી મિલરને પછાત વર્ગોની સમસ્યાઓનું વિશ્ર્લેષણ કરવા નિમ્યા. મિલરે બાદમાં બ્રાહ્મણ સિવાયના વર્ગો માટે સરકારી નોકરીઓમાં 25 ટકા અનામતની ભલામણ કરી હતી. તેનો અમલ મહારાજાએ કર્યો હતો.
તેમણે બાળ વિવાહ પર પ્રતિબંધ મૂક્યો. આત્મનિર્ભરતા માટે તેમણે ચરખાને પ્રોત્સાહન આપતાં ગાંધીજીએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓ માટે કૉંગ્રેસને શ્રેય આપતા લોકોએ જાણવું જોઈએ કે બેંગ્લુરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ મહારાજા વડિયાર ચોથાનાં માતા કેમ્પનન્જામણ્ણી દેવીનાં શાસનમાં સ્થપાયું હતું એટલે કે આઈઆઈએસની સ્થાપના પણ ભારતની સ્વતંત્રતાની ઓછામાં ઓછી અડધી સદી પહેલાં તો થઈ ચૂકી હતી.
હા, મહિલા સશક્તિકરણ અંગે ઉપદેશો આપતા લોકો પણ જાણી લે કે મહારાણી કેમ્પનન્જામણ્ણી દેવીએ તેમના પતિ મહારાજા ચમરાજેન્દ્ર વડિયાર દસમાના અવસાન પછી વિધવા તરીકે અલગ રહેવાના બદલે ઈ. સ. 1895થી ઈ. સ. 1902 દરમિયાન શાસન કર્યું હતું. અમેરિકામાં આજની સ્થિતિએ હજુ કોઈ મહિલા રાષ્ટ્રપ્રમુખ નથી બની શકી.
મહારાજા વડિયાર ચોથાએ ઈ. સ. 1917માં મહિલાઓ માટે જ વિશેષ સાયન્સ કોલેજ બનાવી હતી. તેમણે પણ કૃષ્ણરાજ સાગર બાંધ અને મારાકોનાહલ્લી બાંધ બનાવડાવ્યો હતો. વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા સર સી. વી. રામનને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા 10 એકર ભૂમિ દાનમાં આપી હતી.
આજ રીતે, મહારાજા વડિયાર ચતુર્થના શાસનમાં મૈસૂર એશિયામાં હાઇડ્રોઇલેક્ટ્રિક વિદ્યુત ઉત્પન્ન કરનારું પહેલું રાજ્ય બન્યું હતું. (સ્વતંત્રતા પછી વર્ષો સુધી સરકારોએ આ પ્રકારના પ્રોજેક્ટ અમલમાં ન મૂકીને વીજળી માટે કોલસા પર નિર્ભરતા ચાલુ રાખી.), જ્યારે બેંગ્લુરુ એશિયાનું પહેલું મહાનગર હતું જ્યાં શેરીઓની લાઇટ હતી.
અત્રે એ પણ નોંધવું જોઈએ કે કોલ્હાપુરના શાહુ મહારાજ ભોંસલે મરાઠા સમુદાયના હતા જે આજે પછાત જાતિમાં આવે છે અને મૈસૂરના મહારાજા વડિયાર ચોથા અરાસુ (ઉર્સ) જ્ઞાતિ પણ આજની - વહીવટની દૃષ્ટિએ પછાત વર્ગમાં આવે છે. સ્વતંત્રતા પૂર્વે જે શાસક હતા-સશક્ત હતા તે સ્વતંત્રતાનાં દાયકાઓ પછી પછાત વર્ગમાં કેમ આવી ગયા તે વાત વિચારવા અને ચર્ચવા જેવી છે...