મુંબઈઃ સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP)ના યેઉર રેન્જ હેઠળ આવતી હિલમાંથી એક ઇજાગ્રસ્ત દીપડાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. એસજીએનપીના યેઉર રેન્જમાં થાણે મામા ભાણજા ટેકરીના વન વિસ્તારમાંથી એક ઇજાગ્રસ્ત પુખ્ત નર દીપડાને બચાવી લેવામાં સફળતા મળી હતી.
શનિવારે સાંજે ઇન્દ્રનગરના સ્થાનિક લોકો અને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા એમએસએસસી (મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશન)ના જવાનો દ્વારા એક ઝાડ પર ઇજાગ્રસ્ત દીપડો બેઠો હોવાની ડિસ્ટ્રેસ કોલ કરવામાં આવ્યો હતો.
થાણેમાં 21 કલાક ચાલ્યું દીપડાનું રેસ્ક્યુ: Injured Leopard Rescued in Thane | SGNP
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 31, 2026
મહારાષ્ટ્રના થાણેમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP) વિસ્તારના મામા ભાણજા હિલ્સમાંથી એક ઈજાગ્રસ્ત નર દીપડાને ૨૧ કલાક લાંબા દિલધડક ઓપરેશન બાદ બચાવી લેવાયો છે. વન વિભાગ, RAWW અને WWA ના… pic.twitter.com/6kzFXBJ55b
એસજીએનપી રેસ્ક્યુ ટીમ અને રાજ્ય વન વિભાગની થાણે ટેરિટોરિયલ વિંગ, તેમજ રો (RAWW - રેસ્કિંક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર) અને ડબ્લ્યુડબ્લ્યુએ (WWA - વાઇલ્ડલાઇફ વેલફેર એસોસિએશન)ના સ્વયંસેવકો ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ટીમોએ ઓપરેશન શરૂ કર્યું ત્યાં સુધીમાં દીપડો ઝાડીઓમાં સરકી ગયો અને ગાયબ થઈ ગયો. ટીમોએ ટૂંક સમયમાં જ દીપડાને શોધી કાઢ્યો હતો, જે એક દુર્ગમ જગ્યાએ છુપાયો હતો. વનના પ્રાણી પર પર નજર રાખીને મધ્યરાત્રિ સુધીમાં ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું, જેને આજે બપોરે સફળતાપૂર્વક બચાવી લેવાયો હતો અને એસજીએનપી દીપડા બચાવ કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ વન વિભાગની કામગીરીને પણ વખાણી હતી.
આ દીપડાના પંજા પર ગંભીર ઇજાઓ થઈ છે અને તેના જમણા પગ પર મોટો ઘા હતો, જેના માટે એસજીએનપી સેન્ટર ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઓપરેશન ઉત્તર એસજીએનપી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.