Wed May 20 2026

Logo

બાળકોમાં જંક ફૂડનું વધતું પ્રચલન ચિંતાનો વિષય

2026-03-10 11:49:00
Author: Mumbaisamachar Team
Article Image

અનંત મામતોરા

આજે સ કોઈ જંક ફૂડ પાછળ ઘેલા થયા છે. આ જંક ફૂડ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ રહ્યું છે. આજકાલ બાળકોમાં પિત્ઝા, બર્ગર, ચિપ્સ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ જેવા ખાદ્ય પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે. આ ખાદ્ય પદાર્થો સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ તેમાં જરૂરી પોષક તત્ત્વોનો અભાવ હોય છે, જે બાળકોના સર્વાંગી વિકાસ પર નકારાત્મક અસર કરે છે.

જંક ફૂડના નુકસાન

 1. રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
જંક ફૂડમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. તેના કારણે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને તેઓ વારંવાર બીમાર પડી શકે છે.

2. વધતું વજન અને સ્થૂળતા
જંક ફૂડમાં કેલરી, ચરબી અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેના નિયમિત સેવનથી બાળકોમાં વજન વધે છે અને સ્થૂળતાનો ખતરો વધી જાય છે.

3. ખરાબ ખોરાકની આદત
જયારે બાળક વારંવાર જંક ફૂડ ખાય છે. ત્યારે તેઓને ઘરનો અને પોષણયુક્ત ખોરાક પસંદ નથી પડતો. આથી લાંબા ગાળે તેમની ખોરાકની આદતો બગડી શકે છે.

4. પાચન સંબંધિત સમસ્યા
જંક ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી કબજિયાત, ગેસ અને પાચન સંબંધિત તકલીફો થઇ શકે છે.
5. શારીરિક અને માનસિક વિકાસ પર અસર
યોગ્ય પોષણના અભાવને કારણે બાળકોના શારીરિક વિકાસ અને એકાગ્રતા પર પણ અસર થઇ શકે છે.

માતા-પિતાએ શું કરવું ?
1. પોતે સારાં ઉદાહરણ બનો બાળકો પોતાનાં માતા-પિતાની આદતોનું અનુસરણ કરે છે. તેથી માતા-પિતાએ પોતે પણ સ્વસ્થ અને પોષણયુક્ત ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઇએ.
2. જંક ફૂડને ઇનામ તરીકે ન આપો. બાળકોને સારા વર્તન માટે જંક ફૂડ આપવું યોગ્ય નથી. તેના બદલે તેમને સ્વસ્થ વિકલ્પો આપો.
3. ઘરે જંક ફૂડ ઓછું રાખો જો ઘરે જંક ફૂડ ઉપલબ્ધ નહીં હોય, તો બાળકો તેને ઓછું ખાશે. તેના બદલે ફળ, સૂકા મેવા અને ઘરેલું નાસ્તો ઉપલબ્ધ રાખો.
4. પરિવાર સાથે બેસીને ભોજન લો પરિવાર સાથે ભોજન લેવાની ટેવ બાળકોમાં સારા ખોરાકની આદતો વિકસાવવામાં મદદ કરે છે.
5. બાળકોને જંક ફૂડના નુકસાન સમજાવો બાળકોને સરળ ભાષામાં જંક ફૂડના નુકસાન વિશે સમજાવો જેથી તેઓ પોતે સ્વસ્થ ખોરાક પસંદ કરે.

નિષ્કર્ષ: બાળકોનું સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે જંક ફૂડનું સેવન મર્યાદિત કરવું અને પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવું જરૂરી છે. માતા-પિતાનાં યોગ્ય માર્ગદર્શન અને સારા ખોરાકની આદતો દ્વારા બાળકોને સ્વસ્થ જીવન તરફ દોરી શકાય છે.