Wed Jul 01 2026

Logo

ફેબ્રુઆરીમાં જ મે જેવો અહેસાસ: નલિયા 11°C એ ઠર્યું, તો અમદાવાદ-મુંબઈમાં પારો 35°C ને પાર!

2026-02-17 08:20:26
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/મુંબઈ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ઠંડક અને બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતમાં નલિયા 11 ડિગ્રી સેલ્સિયસ  સાથે સૌથી ઠંડું રહ્યું છે, જ્યારે અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રમાં પણ છે, જ્યાં મુંબઈ અને કોંકણ પટ્ટીમાં વધતા તાપમાન અને ભેજને કારણે લોકો બફારાથી પરેશાન છે.

અમદાવાદમાં ન્યૂનત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં ૧૪.૨ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૧૭ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૧૫.૮ ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં ૧૧ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં ૧૬.૫ ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં ૧૫.૮ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૧૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

જો કે રાજ્યમાં બપોર બાદ ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે, મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં ૩૩.૯ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૩૪.૪ ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં ૩૩.૭ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૩૩.૬ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૩૩.૭ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

મહારાષ્ટ્રના હવામાનની વાત કરવામાં આવે તો, છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 17 ફેબ્રુઆરીના રોજ પણ આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જેમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી બપોરના સમયે ઉકળાટનો અનુભવ થશે.