ભુજ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિદ્યાર્થીઓનો ઝુકાવ ફરી એકવાર ઈજનેરી અભ્યાસક્રમો તરફ વધ્યો છે. રાજ્યમાં વર્ષ 2014 બાદ પ્રથમવાર સરકારી અને ગ્રાન્ટેડ ઈજનેરી કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે ભુજની સરકારી ઈજનેરી કોલેજમાં પણ વર્ષ 2020 પછી પ્રથમ વખત માઈનિંગ સહિતની તમામ બેઠકો 100 ટકા ભરાઈ ગઈ છે.
ઔદ્યોગિક ક્ષેત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકીકરણના કારણે એન્જિનિયરોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાનગી કોલેજોની લાખો રૂપિયાની ફી અને હોસ્ટેલના ઊંચા ખર્ચા સામે સરકારી કોલેજોમાં નજીવી ફી તેમજ લાયકાત ધરાવતા ગુણવત્તાયુક્ત અધ્યાપકો ઉપલબ્ધ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધ્યો છે. રાજ્યમાં આ વર્ષે 48,967 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતાં બંધ થવાના આરે પહોંચેલી કેટલીક ખાનગી કોલેજોને પણ નવું જીવન મળ્યું છે.
ભુજ કોલેજમાં કમ્પ્યુટર ઈજનેરી બ્રાન્ચ શરૂ કરવા માંગ
શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ વ્યથા ઠાલવી છે કે, ભુજ કોલેજમાં કમ્પ્યુટર ઈજનેરી બ્રાન્ચ શરૂ કરવાની વર્ષો જૂની માંગણી હજુ સુધી સંતોષાઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને બહાર જવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત, માઈનિંગ અને અન્ય શાખાઓમાં અધ્યાપકોની ઘટ હોવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પહોંચી રહી છે, જે અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઊઠી છે.