Fri Jul 24 2026

Logo

ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું

2026-04-04 18:01:19
Author: Chandrakant Kanoja
Article Image

ઉમરેઠ: ગુજરાતમાં આણંદ જિલ્લાની  ઉમરેઠ  વિધાનસભા બેઠકની 23 એપ્રિલના રોજ યોજાનારી  પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું  હતું. આ પૂર્વે ભાજપ દ્વારા જાહેર સભા યોજીને શકિત પ્રદર્શન કર્યું હતું. તેની બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવાર  હર્ષદપરમારે ફોર્મ ભર્યું  હતું. આ પેટાચૂંટણી દિવંગત ગોવિંદ પરમારના અવસાન પછી ખાલી પડેલી બેઠક માટે યોજાઈ રહી છે. હર્ષદ પરમાર તેમના પુત્ર છે અને ભાજપે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

કુલ 17 ઉમેદવારોએ 42 ઉમેદવારી પત્રો ભર્યા 

ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું ત્યારે  ભાજપના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ ભવ્ય જીતનો દાવો કર્યો હતો. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે  કહ્યું કે ઉમરેઠના વિકાસ અને લોકોની સેવા માટે ભાજપ સતત પ્રતિબદ્ધ છે. અત્યાર સુધીમાં કુલ 17 ઉમેદવારોએ 42 ઉમેદવારી પત્રો ભર્યા છે.

કોંગ્રેસે ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું

આ ઉપરાંત હાલ, આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર આવનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક માટે ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું છે. આ નિર્ણય પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું  રજૂ કરવું ફરજિયાત 

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26 ) પણ રજૂ કરવાનું રહે છે.  જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-26 ) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.