Sun May 03 2026

Logo
IPL 2026:

GT vs PBKS: ગુજરાતના બોલરોનો તરખાટ, પંજાબ સામે જીતવા 164 રનનો લક્ષ્યાંક

2026-05-03 21:29:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને પંજાબ કિંગ્સ ઈલેવન (PBKS) વચ્ચેની આજની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ પંજાબ પર હાવિ રહી. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ગુજરાત ટાઈટન્સવતીથી નિશાંત સિંધૂને ડેબ્યૂ કરવાની તક મળી, જ્યારે પંજાબ કિંગ્સમાં જેવિયર બ્રેટર્લેટે વાપસી કરી છે. પહેલા બેટિંગમાં આવેલી પંજાબ કિંગ્સ ઈલેવને 20 ઓવરમાં 163 રનનો સ્કોર બનાવ્યો હતો, જ્યારે ગુજરાતને જીતવા માટે 164 રન કરવાના રહેશે.

સિરાજને હેટ્રિક મળી નહીં પણ મજબૂત પાયો નાખ્યો

પહેલી ઓવરમાં પંજાબને ગુજરાત ટાઈટન્સના બોલર મોહમ્મદ સિરાજે દબાણમાં લાવી દીધા હતા. સિરાજની પહેલી ઓવરના બીજા બોલમાં પ્રિયાંશ આર્યા અને ત્રીજા બોલમાં કૂપર કોનોલીને આઉટ કર્યાં હતાં, પણ એના પછી હેટ્રિકનો ચાન્સ ગુમાવ્યા પછી પંજાબને પાવર પ્લેમાં મર્યાદિત સ્કોર કરવા માટે દબાણમાં લાવ્યા હતા, જેને લઈ છઠ્ઠી ઓવરમાં ત્રીજી વિકેટ પ્રભસિમરન સિંહની ગુમાવી હતી. પ્રભસિમરન સિંહે 14 બોલમાં 15 રન બનાવીને રબાડાએ માનવ સુથારના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો. 

6 ઓવરમાં ત્રણ વિકેટે માંડ 35 રન બનાવ્યા હતા, જ્યારે સાતમી ઓવરમાં જેસોન હોલ્ડરને વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. નેહલ વાઢેરાને ઝીરોમાં આઉટ કરીને પંજાબની ટીમનો ધબડકો બોલાવ્યો હતો. એના પછી નવમી ઓવરમાં કેપ્ટન શ્રેયસ અય્યર પણ જાજુ ટકી શક્યો નહોતો. જેસોન હોલ્ડરે કેપ્ટનની વિકેટ ખેરવી હતી, જે 21 બોલમાં 19 રન બનાવી પેવેલિયન જવું પડ્યું હતું. 

10 ઓવરમાં સાવ નબળો સ્કોર હતો 

પાવર પ્લેમાં શાનદાર સ્કોર કરવામાં નિષ્ફળ પંજાબની ટીમે દસ ઓવરમાં પચાસ રન બનાવી શક્યું હતું, જે આ વખતની લીગનો સૌથી નીચો સ્કોર હોવાની શક્યતા છે, પરંતુ બીજી પાંચ ઓવરમાં 68 રન બનાવ્યા હતા, જેમાં સૂર્યાંશ શેડગે અને માર્કસ સ્ટોઈનીસની આક્રમક ઈનિંગ જવાબદાર હતી, પરંતુ સામે છેડે ગુજરાતના રાશિદ ખાન, અર્શદ ખાન અને માનવ સુથાર ત્રણેય બોલર ધોવાયા હતા, જેમાં માનવ સુથારે એક ઓવરમાં 23 રન આપ્યા હતા, જેથી પંજાબ સન્માનીય સ્કોર સુધી પહોંચ્યા હતા. 

સૂર્યાંશ શેડગીની આક્રમક ઈનિંગ રમ્યો

સૂર્યાંશ શેડગેની ધમાકેદાર ઈનિંગ પર રબાડાએ બ્રેક મારી હતી, જે 29 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં પાંચ સિક્સર અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ હતો. એના પછી સ્ટોઈનીસ અને ઝેવિયર બ્રેટલેટની 141 રનના સ્કોરે સાતમી અને આઠમી વિકેટ પડી હતી. જેસોન હોલ્ડરે ચાર ઓવરમાં ચાર વિકેટ ઝડપીને પંજાબને દબાણમાં લાવવામાં મહત્ત્વની સફળતા મેળવી હતી, જેને નેહલ વાઢેરા, શ્રેયસ અય્યર, માર્ક્સ સ્ટોઈનીસ અને ઝેવિયર બ્રેટલેટની આઉટ કર્યાં હતા. 

બીજી બાજુ મોહમ્મદ સિરાજે પણ ચાર ઓવરમાં 28 રન આપીને બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. કગિસો રબાડાએ ચાર ઓવરમાં બે વિકેટ ઝડપીને 22 રન આપ્યા હતા, જ્યારે છેલ્લી 20મી ઓવરમાં રાશિદ ખાનને માર્કો જેન્સનની વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં પંજાબે નવ વિકેટે 163 રન બનાવ્યા હતા, જેમાં આઠ રન (સાત વાઈડ) એક્સ્ટ્રા રનના હતા.